રાંદલનગરમાં ગૌમાતા પર અત્યાચાર કરનાર નરાધમ શખ્સની અટકાયત
જામનગરના રાંદલ નગર વિસ્તારમાં રામ નવમીના પવિત્ર તહેવારના દિવસે ગાયમાતા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ શખ્સ ને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો છે.
જામનગરના રાંદલ નગર વિસ્તારના રાંદલ માતાના મંદિર અને સ્કૂલ પાસે રામનવમીના પવિત્ર તહેવારના દિવસે વહેલી સવારે 5.00 વાગ્યા ના અરસામાં કોઈ નરાધમ શખ્સ દ્વારા ગાય માતા સાથે દુષ્કૃત્ય કર્યું હોવાના ફૂટેજ ગઈકાલે સવારથી સોશિયલ મીડિયામાં ફરતા થયા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું, અને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં એક સ્થાનિક વેપારીની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
એલસીબી ની ટીમ તથા સિટી બી. ડિવિઝન ની પોલીસ ટુકડી દ્વારા સંયુક્ત રીતે તપાસ કરવામાં આવી હતી, અને જુદા જુદા સીસીટીવી કેમેરાઓ વગેરે ચકાસ્યા બાદ ઉપરોક્ત દુષ્કૃત્ય કરનાર સુધી પહોંચી જવામાં પોલીસને સફળતા મળી હતી, અને મૂળ ઉત્તર પ્રદેશના ઇટાવા ના વતની અને હાલ છેલ્લા કેટલાક વર્ષથી જામનગરમાં રહેતા જયવીરસિંહ પ્રહલાદસિંહ બઘેલ ની અટકાયત કરી લીધી હતી. જેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે આ કૃત્ય કર્યું હોવાની કબુલાત પણ આપી દીધી છે. સમગ્ર મામલામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઉપરોક્ત આરોપીની ઘનિષ્ઠ પૂછ પરછ ચલાવવામાં આવી રહી છે.