રાજકોટના 700 જેટલા આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર!
રાજકોટમાં ગુનો આચરી આરોપીઓ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉતરપ્રદેશ સહિતના રાજયોમાં પહોંચી મજૂરીએ વળગી જાય છે
પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને અધિકારીઓનું સતત માર્ગદર્શન : આરોપીઓના મોબાઇલ નંબરનું ટ્રેસિંગ કરાય છે
કેટલીક વખત આંતરરાજયમાં આરોપીને પકડવા પહોંચતી ટીમને ખાલી હાથે પણ પરત ફરવું પડે છે
આપણે આરોપીઓના જામીન માટેની પાત્રતા વિશે વાત કરીએ તો કેસના ચોકકસ સંજોગો અને અધિકાર ક્ષેત્ર પર આધારીત આરોપીઓન જામીન આપવામાં આવે છે. સામાન્ય રીતે એવા આરોપીઓને જામીન આપવામાં આવે છે જે ભાગી જવાનો જોખમ અને જાહેર જનતા માટે જોખમી નથી હોતા. પેરોલ માટેની પાત્રતા અધિકાર ક્ષેત્રના ચોકકસ કાયદાઓ અને જેલમાં કેદીઓના વર્તન પર આધાર રાખે છે. ત્યારે આપણે વાત કરીએ રાજકોટ પેરોલ ફર્લો સ્કવોર્ડની તો હાલ રાજકોટ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ સતત એકટીવ હોય આંતર રાજયોમાં પહોંચી આરોપીઓને પકડી લાવી રહી છે.
રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ક્રાઇમ ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ પેરોલ ફર્લો સ્કવોર્ડના પીઆઇ સી. એચ. જાદવ અને તેમની ટીમ દ્વારા રાજકોટ શહેરમાં આચરેલા દારૂ, જુગાર, છેતરપીંડી, વિશ્ર્વાસઘાત, ખુની હુમલા તેમજ મિલકત સબંધી ગુનાઓના આરોપીઓને પકડી પાડવા ખાસ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ છે. ત્યારે અત્યાર સુધીમાં લગભગ 700 જેટલા ગુનેગારો રાજકોટમાં ગુનો આચરી રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉતરપ્રદેશ, કેરાલા, ઉતરાખંડ તેમજ અન્ય રાજયોમાં આવેલા ધાર્મિક સ્થળો પર વસવાટ કરી નાની મોટી મજુરી કરી પોતાની ઓળખ છુપાવી રહેતા હોય છે.
ત્યારે રાજકોટ પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમના પીઆઇ સી. એચ. જાદવ કે જેઓ ડાયરેકટ પીઆઇની પરીક્ષામાં પાસ થઇ પ્રથમ પોસ્ટીંગ રાજકોટ મેળવ્યુ છે અને તેઓને પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા દ્વારા પેરોલ ફર્લો સ્કવોર્ડની કમાન સોપવામાં આવી છે. ત્યારે પીઆઇ જાદવે પેરોલ ફર્લો સ્કવોર્ડની કમાન સંભાળ્યા બાદ તુરંત પોતાની અસર કારક કામગીરી બતાવવાની શરૂ કરી દીધી છે. તેમની અલગ અલગ ટીમો દ્વારા ગંભીર ગુનાના આરોપીઓને પકડવાની બે મહીનામાં સદી મારી દીધી છે. આ અંગે પીઆઇ સી. એચ. જાદવે જણાવ્યુ હતુ કે આંતર રાજયોમાં પહોંચી આરોપીઓને પકડવા અમારા માટે પડકારરૂપ હોય છે.
પરંતુ અમારી પાસે અનુભવી ટીમ હોવાથી અમારૂ કામ સરળ બની રહે છે. ત્યારે થોડા દિવસો પહેલા અમારી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમ દ્વારા રાજકોટના સામાકાંઠાના વિસ્તારમાંથી વેપારીઓનુ 290 કિલો ચાંદી લઇ વેપારી પિતા-પુત્ર થઇ ગયા હતા. આ ઘટનામાં પિતાની ધરપકડ કરવામાં આવી જયારે આરોપી કેતન ઢોલરીયા ફરાર હતો. આ ઘટનામાં આરોપીઓને પકડવો પડકારરૂપ બની ગયુ હતુ. ત્યારે પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમને એક લીંક મળી કે આરોપી ઉતરાખંડમાં સ્કુલ બસ ચલાવે છે અને હોટેલમાં રૂમમાં રહી ત્યા વેઇટરનુ કામ કરે છે. ત્યારબાદ પોલીસ ટીમ દ્વારા ઉતરાખંડમાં 6 દિવસ ધામા નાખ્યા હતા અને આરોપીને મોકો જોઇ પકડી લેવામાં આવ્યો હતો.
ત્યારબાદ રાજકોટ મહીલા પોલીસ સ્ટેશનમાં એક વિશ્ર્વાસઘાતની ફરીયાદ નોંધવામાં આવી હતી. આ ગુનામાં છેલ્લા 8 વર્ષની ફરાર થયેલો આરોપી સુરેશ કાટેલીયા દિવાળી કરવા માટે રાજકોટ આવ્યો અને પેરોલ ફર્લો સ્કવોર્ડની ઝપટે ચડી ગયો હતો. તેમની પુછપરછમાં પોતે કુવેત રહેતો હોવાનુ જણાવ્યુ હતુ. ત્યારબાદ રાજકોટના જયુબેલી પાસે આવેલી પોસ્ટ ઓફીસમાં સિકયુરીટી ગાર્ડની હત્યા કરી ધાડ પાડવાની ચકચારી ઘટનામાં આજીવન કેદની સજા ભોગવતો કેદી રાજકોટમાંથી પેરોલ મેળવી અમદાવાદના બાવળા ભાગી ત્યા અલગ અલગ જગ્યાએ મજુરી કામ કરતો હતો. પોલીસે બાતમીને આધારે આ આરોપીને પકડી તુરંત જેલ ભેગો કરી દીધો હતો. તેમજ રાજકોટ શહેરમાંથી વેપારીઓનુ પ1 કિલો ચાંદી લઇ ફરાર થયેલા પિતા-પુત્રને પકડવા પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે રાજસ્થાનમાં દિલધડક ઓપરેશન પાર પાડી પકડી લીધા હતા. આમ પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમ દ્વારા અસર કારક કામગીરી કરવામાં આવી રહી છે.
ટીમો અન્ય રાજયોમાં રોકાઇ આરોપીઓની ગતિવિધિઓ પર દેખરેખ રાખી મોકો જોઇ ‘શિકાર’ કરે છે !
પીઆઇ સી. એચ. જાદવે જણાવ્યુ હતુ કે અમારી ટીમ સૌપ્રથમ આરોપીઓના નંબર ટ્રેસ કરે છે. તેમજ બાતમીદારો મારફતે નાસ્તા ફરતા આરોપીઓ પર દેખરેખ રાખે છે. તેમજ કોઇ લીંક મળે એટલે તુરંત જ અલગ અલગ ટીમો આરોપીઓ હોય તે રાજયમાં પહોંચી અને ત્યા વેશપલ્ટો કરી તેમજ તેમની નજીકમાં આવેલી હોટલો પર રહી આરોપીઓની ગતિવિધી પર દેખરેખ રાખે છે. તેમજ મોકો જોઇ આરોપીને પકડી રાજકોટ લાવી જે પોલીસ મથક હેઠળનો આરોપી હોય તેમને સોપી દેવામાં આવે છે. આ ઓપરેશન પાર પાડવા માટે કયારેક પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમને ખાલી હાથે પણ પાછુ ફરવુ પડે છે.
આધુનિક સુવિધા ઓછી હોવાથી આંતર રાજયોમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા પડકારરૂપ
હાલ પોલીસ તંત્ર દ્વારા આરોપીઓને પકડવા આધુનિક સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ જે જીલ્લામાં ગુનો કરી અન્ય રાજયમાં પહોંચી જઇ ત્યાથી પકડી લાવવા પોલીસ માટે પડકારરૂપ બની જાય છે. ત્યારે હાલ પેરોલ ફર્લો સ્કવોર્ડ પાસે મોબાઇલ ટ્રેસીંગ અને બાતમીદારો સિવાય કોઇ બીજો સોર્સ આરોપી સુધી પહોંચી શકાય તે હોતો નથી. ત્યારે રાજકોટ શહેરમાં ગુનો આચરી અન્ય રાજયમાં રહી કામે વળગી ગયેલા આરોપીઓને પકડવા પોલીસ તંત્ર માટે પડકારરૂપ છે. સામાન્ય રીતે શહેરમાં કોઇ ગુનો આચરી ભાગી જાય ત્યારે સીસીટીવી ફુટેજ મારફતે આરોપીઓની ઓળખ મેળવી તેમના સુધી પહોંચી શકાય છે. પરંતુ ગુનાના પાંચ - પાંચ વર્ષ વિતી ગયા બાદ આરોપીઓ સુધી પહોંચવા અઘરૂ થઇ પડે છે.
કામગીરી કરનાર પેરોલ ફર્લો સ્કોવડની ટીમ
પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમ દ્વારા બે મહીનામાં 100 જેટલા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. આ ટીમમાં પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ જે. જી. તેરૈયા, એએસઆઇ સીરાજભાઇ ચાનીયા અને અમૃતભાઇ મકવાણા, રાજદીપસિંહ ચૌહાણ, રોહીતભાઇ કછોટ, યોગેન્દ્રસિંહ ઝાલા, કુલદિપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, દોલતસિંહ રાઠોડ, સામતભાઇ ગઢવી અને સોનાબેન મુળીયાનો સમાવેશ થાય છે.