પાટડીના નવાગામમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર બઘડાટી : છ ઘવાયા
સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના ખારાઘોડા નવાગામમાં એક જ કોમના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ચકચાર મચી ગઈ છે.
બે જૂથો વચ્ચે લાકડી, ધોકા અને પાઇપ જેવાં હથિયારોથી થયેલા હુમલામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જ્યારે આ મામલે પાટડી પોલીસ સ્ટેશનમાં 5 શખસ સામે ફરિયાદ નોંધાઈ છે.
શનિવાર (11 જાન્યુઆરી)ની બપોર મુમતાજબેન સહિતના પરિવાર માટે દુ:સ્વપ્નમાં ફેરવાઈ ગઇ, જ્યારે આઠ વર્ષ જૂની અદાવતમાં ત્રણ શખસે લાકડી અને લોખંડની પાઈપ લઈને તેના ભાઈ સહિતના પરિવારજનો પર હુમલો કર્યો. નમાજમાં હાથ ન મિલાવ્યો એ વાતની આટલી મોટી અદાવત? મુમતાજબેનનો આ સવાલ હાલની વરવી વાસ્તવિકતા છતી કરે છે.
પરિવાર પર થયેલા ક્રૂર હુમલાની પોલીસ સમક્ષ વ્યથા વર્ણવી મુમતાજબેન ફરિયાદમાં જણાવે છે કે, નસ્ત્રભાઈને બચાવવા વચ્ચે પડી ત્યારે મારી આંખો સામે મારા ભાભીનું ઓઢણું ખેંચી તેમને ઢીબી નાખ્યાં. મારી બહેન સુલતાનાને માથામાં એવો માર માર્યો કે લોહીની નદીઓ વહેવા લાગ હતી. આ ઘટનામાં છ લોકો ઘવાયા હતાં.
હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ઈમરાન હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. હુમલામાં ઈમરાનભાઈને ગળા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, માથામાં ટાંકા લેવા પડેલી સુલતાનાબેન, જેઓ પાટડીથી માત્ર બે દિવસ માટે પિયર આવ્યાં હતાં, હવે હોસ્પિટલના બેડ પર છે. ઘટનામાં મહિલાઓ સાથે અભદ્ર વર્તન પણ કરવામાં આવ્યું હતું.