ગોંડલમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ: પાંચને ઇજા
મારામારીમાં ઘવાયેલા યુવકને સારવારમાં ખસેડાતા ત્યાં બઘડાટી બોલી; પોલીસ તપાસ જારી
ગોંડલ સિવિલ હોસ્પિટલ સામેના ચોકમાં દેવીપુજક વચ્ચે રાત્રે જુથ અથડામણ થતા પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બની હતી.જે પૈકી ચાર ને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી.બનાવ નાં પગલે હોસ્પિટલ માં દેવીપુજક સમાજ નાં ટોળા એકઠા થતા અને વાતાવરણ તંગ બનતા બન્ને ડીવીઝન નાં પીઆઇ.જે.પી.રાવ તથા એલ.આર.ગોહિલ પોલીસ કાફલા સાથે હોસ્પિટલ દોડી ગયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ રાત્રીનાં દશ નાં સુમારે હોસ્પિટલ સામે આવેલ ચોકમાં દેવીપુજક સમાજના બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણું ખેલાતા દેકારો બોલી ગયો હતો ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા . અને પોલીસ પણ દોડી આવી હતી ઘટનામાં 5 લોકો ઈજાગ્રસ્ત થતા 4 ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ તથા એક ઇજાગ્રસ્તને ગોંડલ સીવીલ હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જયા પણ બંને જુથનાં લોકો સામ સામે આવી જતા બઘડાટી બોલી હતી ઘટનાને પગલે ભારે તંગદીલી સર્જાઇ હતી.
ઇજાગ્રસ્ત માં દેવીપુજક સમાજના અમિત સેતલભાઈ મકવાણા ( ઉ.વ.15) અશ્વિનભાઈ ભરતભાઇ મકવાણા (ઉ.વ.25) રામા રવજીભાઈ સોલંકી ( ઉ.વ.25) રેખાબેન અકાશભાઈ રાઠોડ - (ઉ.વ.19) ને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા જ્યારે રોહિત અશોકભાઈ સોલંકી (ઉ.વ.21) ને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ નાં પગલે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી તપાસનો દોર લંબાવ્યો છે.