રાજકોટમાં વધુ એક હત્યા, ભીક્ષુકને હેરાન કરતા યુવાનનું રિક્ષાચાલકે ઢીમ ઢાળી દીધુ
રાત્રે મિત્રો સાથે જવાહર રોડ પર ગેલેકસી હોટેલ પાસે ચા પીતા હતા ને છરીનો ઘા હૃદયની આરપાર કરી નાખ્યો
બનાવ અકસ્માતમાં ખપાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો પણ અંતે ભાંડો ફૂટયો
રાજકોટમા વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ભીલવાસમા આવેલા ઠકકરબાપા વાસમા રહેતા 18 વર્ષનો યુવાન તેમનાં મિત્રો સાથે જવાહર રોડ પાસે ગેલેકસી હોટલે ચા પીવા ગયો હતો . ત્યારે ત્યા ફુટપાથ પર સુતેલા ભીક્ષુકોની પજવણી કરતો હોય જેથી ત્યા હાજર રીક્ષાચાલકે ભીક્ષુકોની પજવણી નહી કરવાનુ કહેતા રીક્ષા ચાલકે ઉશ્કેરાય છરીનો એક ઘા ઝીકી દેતા યુવાનને ગંભીર ઇજા થઇ હતી અને તેમને સિવીલ હોસ્પીટલે સારવાર માટે ખસેડાતા તેમનુ મોત નીપજયુ હતુ. આ ઘટનામા પોલીસે ગણતરીની કલાકોમા જ આરોપી રીક્ષા ચાલકને ઝડપી લીધો હતો.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ભીલવાસ પાસેનાં ઠકકરબાપા વાસમા રહેતા ધાર્મીક ઉર્ફે પ્રકાશ સુરેશભાઇ મકવાણા (ઉ.વ. 18) નામનો યુવાન ગઇકાલે રાત્રે 1 વાગ્યા તેમના મિત્રો જયદીપ અને યુગ સાથે એકટીવા પર જવાહર રોડ પર આવેલી ગેલેકક્ષી હોટલે ચા પીવા ગયા હતા.
જયા ધાર્મીક ફુટપાથ પર સુતેલા લોકોની પજવણી કરતો હોય જેથી ત્યા હાજર રીક્ષા ચાલક મયુર કિશોરભાઇ લઢેરએ તેમને ગરીબ અને ભીક્ષુકોની પજવણી નહી કરવા જણાવ્યુ હતુ . જેથી બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી અને મયુરે તેની પાસે રહેલી છરી કાઢી એક ઘા ધાર્મીકને ઝીકી દેતા ધાર્મીક લોહીલુહાણ હાલતમા ઢળી પડયો હતો . ત્યારબાદ ધાર્મીકનાં મિત્રો જયદીપ અને યુગ ડરી જતા તેમણે તુરંત ધાર્મીકનાં મામા અંકીતભાઇને બોલાવી લીધા હતા અને તેઓ ત્રણેય મળી ધાર્મીકને સિવીલ હોસ્પીટલ ખાતે સારવાર માટે લઇ આવ્યા હતા જયા ત્રણેયને થયુ કે ધાર્મીકને સામાન્ય ઇજા છે માટે તેઓએ પોલીસ સ્ટેશનની ડાયરીમા નોંધ કરાવી હતી કે તેઓ એકટીવામા જતા હતા . ત્યારે જામનગર રોડ પર ઘંટેશ્ર્વર નજીક બાઇક સ્લીપ થતા ધાર્મીકને છાતીનાં ભાગે ઇજા થઇ છે.
આ ઘટનામા સિવીલ હોસ્પીટલનાં તબીબોએ સારવાર ચાલુ કરી હતી આ સમયે ધાર્મીકનુ સારવારમા મૃત્યુ નીપજતા તબીબોને બનાવ અંગે શંકા જતા તેઓએ તુરંત જ હોસ્પીટલ ચોકીનાં હાજર સ્ટાફને બનાવ શંકાસ્પદ હોવાનુ કહયુ હતુ અને આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસને જાણ કરવાનુ કહેતા પોલીસ મથકનાં પીઆઇ બી. વી. બોરીસાગર અને સ્ટાફ તુરંત ત્યા પહોચી ગયો હતો અને ત્યારબાદ બનાવ હત્યાનો હોવાનુ સામે આવ્યુ હતુ અને એ ડીવીઝન પોલીસનાં સ્ટાફે તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે ધાર્મીક બે ભાઇમા મોટો હતો અને તે યાજ્ઞીક રોડ પર આવેલા રેડીમેઇડ કપડાનાં શોરૂમમા નોકરી કરતો હતો. તેમજ તેમનાં પિતા મહાનગર પાલીકામા કોન્ટ્રાકટ બેઇઝ પર ભુગર્ભ ગટર શાખામા ફરજ બજાવતા હતા.
ગઇકાલે ધાર્મીક પરીવાર સાથે કચ્છમા રહેતા ફઇનાં ઘેર સગાઇ પ્રસંગ પુરો કરી રાજકોટ આવ્યો હતો અને રાત્રે મિત્રો સાથે બહાર ચા પીવા જતા આ ઘટના બની હતી. આ ઘટનામા એ ડીવીઝન પોલીસે મયુર લઢેરની ધરપકડ કરી હતી. આરોપીએ જણાવ્યુ હતુ કે મૃતક રસ્તા પર સુતેલા લોકોને પરેશાન કરતો હોય જેથી તેમને સમજાવવા જતા બંને વચ્ચે ઝપાઝપી થઇ અને છરીનો એક ઘા ઝીકી દીધો હતો.
મકરસંક્રાતિ બાદ મૃતક ધાર્મિકની સગાઇ કરવાની હતી
ભીલવાસ પાસેનાં ઠકકરબાપા વાસમા રહેતા ધાર્મીક મકવાણાની મયુર લઢેર નામનાં શખ્સે હત્યા કરી છે. આ ઘટનામા પોલીસે મયુરની ધરપકડ કરી હતી. પરીવારજનોએ જણાવ્યુ હતુ કે ધાર્મીક યાજ્ઞીક રોડ પર રેડીમેડ દુકાનમા કામ કરતો હતો . તેમની સગાઇની વાત ચાલુ હતી અને મકરસંક્રાતી બાદ તેની સગાઇ કરવાની હતી.