બસપોર્ટ પાસેથી રિક્ષામાં બેઠેલા મુસાફરના ખિસ્સામાંથી નાણાં ખંખેરનાર વધુ એક ગેંગ ઝબ્બે
બાબરાના યુવાનના ખિસ્સામાંથી પુત્રની સારવારના રૂા.20 હજાર બેલડીએ પડાવી લીધા હતા
રાજકોટ શહેરમાં મુસાફરોના ખીસ્સા હળવા કરનાર વધુ એક રીક્ષા ગેંગને એ ડીવીઝન પોલીસ ઝડપી લઇ અડધા લાખનો મુદ્દામાલ કબ્જે ર્ક્યો છે.
વધુ વિગતો મુજબ, શહેરમાં ગઇ તા.20ના રોજ બાબરાના નરેશભાઇ ચારોલા પુત્રની સારવાર માટે રાજકોટ આવ્યા હતા અને પુત્રને દાખલ ર્ક્યો હતો. ત્યારે ડોક્ટરે રૂા. 20 હજાર જમા કરાવાનું કહેતા કોટડા પીઠા ગામે રહેતા મામા પાસેથી રૂા.20 હજાર મંગાવ્યા હતા. ત્યાર બાદ તેઓ જયુબેલી ચોક પાસે નાળીયર લેવા માટે ગયા હતા. જે લઇ હોસ્પિટલે જવા માટે રીક્ષામાં બેઠા હતા ત્યારે રીક્ષામાં બેઠેલા બે શખ્સો માંથી એક વ્યક્તિએ ઉલટી-ઉબકાનું ખોટું નાટક કરી તેમજ રીક્ષા ડ્રાઇવરે કહ્યુ કે, તમારા પૈસા રીક્ષામાંથી પડી ગયા હતા. જે બીજો રીક્ષાવાળો લઇ ગયો છે તેમ કહીં નરેશભાઇને રસ્તામાં જ ઉતારી દીધા હતા.
રીક્ષામાંથી ઉતરી ગયેલા નરેશભાઇએ ખીસ્સામાં જોતા તેઓને 20 હજાર જોવા મળ્યા નહોતા અને આસપાસ તપાસ કરતા પૈસા ક્યાં મળ્યા નહોતા. જેથી તેઓએ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એ ડીવીઝન પોલીસના પી.આઇ. કે.એસ.દેસાઇ, પી.એસ.આઇ એસ.એમ.રાણા, એ.એસ.આઇ. એમ.વી.લુવા, અજયભાઇ બસીયા, કલ્પેશભાઇ બોરીચા, સંજયભાઇ ચૌહાણ અને ધારાભાઇ ગઢવી સહિતના સ્ટાફે વધુ એક શીકાર શોધી રહેલી રીક્ષા ગેંગના અમીત ઉર્ફે બેરો દિનેશ ઉકેડીયા (રહે. પોપટપરા 53 ક્વાટર્સ શેરી નં.7) અને સુનીલ ઉર્ફે મામા મોહનભાઇ પેરવાણી (રહે.માં કોમ્પ્લેક્ષની સામે રેલનગર)ની ધરપકડ કરી તેઓની પૂછપરછમાં તેઓએ એક ગુનો કબુલ્યો હતો. જેથી તેની પાસેથી 20 હજારની રોકડ અને રીક્ષા સહિત 50 હજારનો મુદ્દામાલ જપ્ત ર્ક્યો હતો.