જામનગર જીએસટી કૌભાંડમાં સી.એ. સામે વધુ એક વેપારીએ ફરિયાદ નોંધાવી
જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર ઓફિસ ધરાવતા એક સી.એ. સામે જીએસટી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું, જેમાં કરોડો રૂૂપિયાની જીએસટીની ચોરીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું, ત્યારે મોટી લાખાણી ગામના એક વેપારી અને જામનગરના એક વેપારી દ્વારા જીએસટી ચોરી અંગે પોતાની ની પેઢી સાથે છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી, જેમાં વધુ એક ફરિયાદનો ઉમેરો થયો છે અને મૂળ જામજોધપુરના સડોદર ગામના વતની અને હાલ જામનગરમાં રહેતા એક આસામી દ્વારા પાંચ કરોડથી વધુની જીએસટી વેરાની છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે.
જામનગરમાં હિરજી મીસ્ત્રી રોડ પર બ્રહ્મ એન્ડ એસોસિયેટ નામની ઓફિસ ધરાવતા અલ્કેશભાઇ પેઢડિયા નામના ચાર્ટર એકાઉન્ટન્ટ કે જેણે કરોડોની જીએસટીની ચોરીનું કૌભાંડ આચર્યું હોવાની માહિતી ના આધારે જીએસટી વિભાગ દ્વારા તેની ઓફિસ તથા રહેણાક મકાન પર દરોડા પાડવામાં આવ્યા હતા, અને થોક બંધ સાહિત્ય કબજે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કરોડોની જીએસટી ચોરીનો કૌભાંડ પકડી પાડ્યું હતું, જે પૈકીના પ્રદિપસિંહ લાલુભા જાડેજા સહિતના બે વેપારીઓ દ્વારા અગાઉ પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. દરમિયાન આજે આ પ્રકરણમાં ત્રીજો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જામજોધપુર તાલુકાના સડોદર ગામના વતની અને હાલ જામનગરમાં ગુલાબનગરમાં રહેતા મોહસીન સલીમભાઈ જુણેજા નામના આસામીએ અલ્કેશ પેઢડિયા સામે પોતાની પેઢીના જીએસટી પોર્ટલ ઉપર ભરવા પાત્ર રિટર્ન માં ખરીદ વેચાણના ખોટા બિલો બતાવીને 5,03,29,387 નો વેરો ભરવાપાત્ર દર્શાવી પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાનું ફરિયાદમાં નોંધાવ્યું છે. જે મામલે એલસીબીના પી.એસ.આઇ. પી.એન. મોરી વધુ તપાસ ચલાવી રહ્યા છે.
