સોની વેપારીનું 31 લાખનું સોનુ લઇ વધુ એક બંગાળી કારીગર ફરાર
રાજકોટમાં સોની વેપારીઓનું સોનું લઈ બંગાળી કારીગરો ભાગી જતાં હોવાના કિસ્સા અટકવાનું નામ નથી લઈ રહ્યા. વધુ એક વેપારીનું રૂૂા. 30.87 લાખનું સોનું અને એડવાન્સમાં આપેલા રૂૂા.1.67 લાખ લઈ કુલ 32.54 લાખ લઇ બંગાળી કારીગર અનવરજુમન મહીદુજમાલ મલીક (રહે. કુંભારવાડા શેરી. . કુંભારવાડા શેરી નં.4) ભાગી ગયાની ફરિયાદ એ-ડિવીંઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
પ્રહલાદ પ્લોટ શેરી નં.31/36માં, રહેતાં જીજ્ઞેશભાઈ કિશોરભાઈ ફિચડીયા (ઉ.વ.47) સોની બજારની ગોલ્ડન માર્કેટમાં ડી.જે. એન્ડ સન્સ નામની પેઢી ધરાવે છે. જયાં 16 વર્ષથી સોની કામ કરે છે. તેણે પોલીસને જણાવ્યું કે તેની દુકાનેથી છેલ્લા દસેક વર્ષથી આરોપી ફાઈન સોનું લઈ દાગીના બનાવી આપવાનું કામ કરે છે. આરોપીની દુકાન સવજીભાઈની શેરીમાં આવેલી છે.ગઈ તા.17ના રોજ આરોપી તેની દુકાનેથી સોનાના દાગીના બનાવવા માટે 302.650 ગ્રામ ફાઈન સોનું લઈ ગયો હતો.ઓર્ડરમાં ફેરફાર કરવાનો હોવાથી બે દિવસ બાદ આરોપીને કોલ કરતાં મોબાઈલ સ્વીચ ઓફ મળ્યો હતો.
જેથી આરોપીની દુકાને જતાં તેના કારીગરોએ જણાવ્યું કે તેના શેઠ બે દિવસ પહેલાં નીકળી ગયા છે.પરિણામે આરોપીની પત્નીને કોલ કરતાં તેણે પતિ હાલ કયાં છે તે વિશે અજાણ હોવાનું કહ્યું હતું. આ રીતે આરોપીએ તેનું રૂૂા.30.87 લાખનું સોનું પરત આપ્યું ન હતું. એટલું જ નહીં આરોપી તેની પાસેથી રૂૂા.2 લાખ એડવાન્સમાં લઈ ગયો હતો.જેમાંથી રૂૂા. 33 હજાર તેને મજૂરીના આપવાના હતા. બાકીની રકમ ઉપાડ પેટે હતી.એ-ડિવીઝન પોલીસે વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.