મોરબી 90 લાખની આંગડિયા લૂંટમાં વધુ એક ફરાર આરોપીની ધરપકડ
ટંકારા નજીક ખજુરા હોટેલના ગ્રાઉન્ડમાં ગત સપ્તાહે આગંડિયા પેઢીની કારને આંતરી છરી, લાકડાના ધોકા બતાવી 90 લાખની ચકચારી લૂંટ પ્રકરણમાં પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી જેમાં બે ઇસમોને ઝડપી લઈને રોકડ રૂૂ 72.50 લાખ ગુનામાં વપરાયેલ બલેનો કાર, પોલો કાર અને 5 મોબાઈલ સહીત કુલ રૂૂ 81.50 લાખનો મુદામાલ કબજે લીધો હતો જે લૂંટ પ્રકરણમાં પોલીસે વધુ એક આરોપીને ઝડપી લીધો છે.
ગત તા. 21 ના રોજ રાજકોટના રહેવાસી અને આંગડીયા પેઢીના માલિક નીલેશભાઈ મનસુખભાઈ ભાલોડી તેના ડ્રાઈવર જયસુખભાઈ સુંદરજીભાઈ ફેફર સાથે ટી એન્ટરપ્રાઈઝ (ટીટેનિયમ) નામની આંગડીયા પેઢીના રોકડ રૂૂપિયા પોતાની કાર જીજે 03 એનકે 3502 વાળીમાં લઈને રાજકોટથી મોરબી આવતા હતા ત્યારે મીતાણા ગામ નજીક સફેદ કલરની પોલો કારે ઠોકર મારતા કાર ઉભી રાખી ત્યારે અન્ય એક બલેનો કાર આવી જતા પાંચથી સાત ઇસમોએ લાકડાના ધોકા, છરી અને પાઈપ સાથે ઉતરતા ગાડી મોરબી તરફ હંકારી હતી.
અને બંને કારે પીછો કરતા ખજુરા હોટેલના ગ્રાઉન્ડમાં ઉભી રાખી હતી અને ગાડીનું ટાયર ફાટી ગયું હતું ત્યારે બંને કારમાંથી પાંચથી સાતેક માણસો મોઢે રૂૂમાલ બાંધી લાકડાના ધોકા, પાઈપ અને છરી લઈને ઉતર્યા હતા કારમાં રાખેલ રોકડ રૂૂ 90 લાખની લૂંટ ધાડ કરી નાસી ગયા હતા ટંકારા પોલીસે લૂંટ ધાડની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી. ટંકારા પોલીસે ગુનો નોંધી બે આરોપીને ઝડપી લઈને લૂંટમાં ગયેલ પૈકી 72.50 લાખની રોકડ, બે કાર અને મોબાઈલ સહીત 81.50 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો અન્ય આરોપીઓ ફરાર હોવાથી પોલીસ ટીમો સતત તપાસ ચલાવી રહી છે જેમાં આજે આરોપી દિગ્વિજય અમરશી પટેલને ઝડપી લીધો છે અને અન્ય ફરાર આરોપીની શોધખોળ ચલાવી છે .