અનિરૂધ્ધસિંહે પાસપોર્ટ જમા કરાવ્યો, અમિત ખૂંટ કેસમાં રાહત અંગે અવઢવ
સ્યુસાઇડ નોટના ગુજરાતીના અક્ષર મેચ થયાના નિર્દેશ, તપાસ માટે રિપોર્ટ સારો હોવાનું પોલીસ વડાનું કથન
રીબડાનાં અનિરૂધ્ધસિંહ મહીપતસિંહ જાડેજાને પુર્વ ધારાસભ્ય પોપટભાઇ લાખાભાઇ સોરઠીયાની હત્યા કેસમા આજીવન કેદની સજા માફી મામલે હાઇકોર્ટે સજા માફી રદ કરી એક માસમા પોલીસ શરણે થવા હુકમ કરી પોલીસ સ્ટેશનમા પાસપોર્ટ જમા કરવા આદેશનાં પગલે અનિરૂધ્ધસિંહે વકીલ મારફતે પાસપોર્ટ ગોંડલ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમા જમા કરાવ્યો છે જયારે રીબડાનાં અમિત ખુંટ આપઘાત કેસ મામલે વોન્ટેડ અનિરૂધ્ધસિંહ જાડેજા, તેમનાં પુત્ર રાજદીપસિંહ અને રહીમ મકરાણીની પોલીસ શોધખોળ કરી રહી છે અમિત ખુંટ આપઘાત કેસમા સ્યુસાઇડ નોટનાં એફએસએલ રીપોર્ટ બાબતે ઘણી બધી ચર્ચાઓએ જોર પકડયુ હોય ત્યારે આ મામલે અનિરૂધ્ધસિંહ અને તેમનાં પુત્ર અને રહીમ મકરાણીને રાહત મળશે કે તે બાબતે હજુ અવઢવ જોવા મળી રહયુ છે.
અમિત ખુંટ આપઘાત કેસનાં સ્યુસાઇડ નોટનાં એફએસએલ રીપોર્ટ અંગે જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યુ હતુ કે તપાસનો રીપોર્ટ સારો આવ્યો છે જો કે રીપોર્ટમા અક્ષર મેચ થાય છે કે કેમ તે બાબતની સ્પષ્ટતા કરવામા આવી નથી.
અને આ કેસ કોર્ટમા ચાલશે ત્યારે વધુ વિગતો બહાર આવશે અમિત ખુંટ આપઘાત કેસમા સરકાર તરફથી સ્પેશ્યલ પીપી તરીકે ચિંતન શાહ અને આસિસ્ટન્ટ પીપી તરીકે હીરેન પટેલની નિમણુંક કરવામા આવી છે
આ મામલે સરકારી વકીલે અમિત ખુંટનાં ગુજરાતીનાં અક્ષરો મેચ થયાનુ જણાવ્યુ હતુ ત્યારે આગામી દીવસોમા આ મામલે ચોકાવનારા ખુલાસા થઇ શકે છે.
સ્યુસાઇડ નોટમા અનિરૂધ્ધસિંહ અને રાજદીપસિંહનુ નામ ખુલ્યા બાદ બંને ફરાર છે.
આ મામલે રાજકોટ પોલીસે ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉતરપ્રદેશ અને નેપાળ સુધી તપાસ કરી હોવા છતા પિતા - પુત્રનો કોઇ પતો લાગ્યો નથી આ મામલે એફએસએલ રીપોર્ટ આવ્યા બાદ પણ અનિરૂધ્ધસિંહ તેના પુત્ર રાજદીપસિંહ અને રહીમ મકરાણી આરોપી તરીકે યથાવત હોવાનુ પોલીસ અધીકારીઓ જણાવી રહયા છે.
તેનાં પરથી એ સ્પષ્ટ થાય છે કે હસ્તાક્ષર નિષ્ણાંતે જે પણ અભિપ્રાય આપ્યો હોય પરંતુ તેનો લાભ આ ત્રણેય વોન્ટેડ આરોપીઓને હાલ મળતો નથી. બીજી તરફ હાઇકોર્ટનાં આદેશથી અનિરૂધ્ધસિંહ પોપટ લાખાભાઇ સોરઠીયા હત્યા કેસ મામલે હાઇકોર્ટનાં નિર્દેશથી પોતાનો પાસપોર્ટ જમા કરાવી દીધો છે.