પૂર્વ આરોગ્યમંત્રી વલ્લભભાઈ પટેલ હત્યા કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજા નિર્દોષ
35 વર્ષ પહેલા હડમતિયા (જં.)માં ચૂંટણી સભા સમયે કોંગ્રેસનાં કદાવર નેતાને છરીના ઘા ઝીંકી સરાજાહેર થઈ હતી હત્યા
સેશન્સ કોર્ટે અનિરૂધ્ધસિંહ જાડેજાને શંકાનો લાભ આપતાં સરકારે હાઈકોર્ટમાં સજા માટે કરેલી અરજી ફગાવાઈ
રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી વલ્લભભાઈ પટેલની 36 વર્ષ પૂર્વે થયેલી હત્યાના ગુનામાં સંડોવાયેલા પડધરીના હડમતીયા ગામના અનિરુદ્ધસિંહ ચંદુભા જાડેજાને રાજકોટ સેશન્સ કોર્ટે શંકાનો લાભ આપી છોડી મૂક્યા હતા. સેશન્સ કોર્ટના હુકમ સામે સરકારે અનિરુદ્ધસિંહ જાડેજાને સજા અપાવવા ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જે અપીલ હાઇકોર્ટે નામંજૂર કરી સેશન્સ કોર્ટનો ચુકાદો યથાવત રાખતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ પડધરી તાલુકાના હડમતીયા (જં.) ગામે રામજી મંદિર ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા આશરે 36 વર્ષ પહેલાં તા.21/11/1989ના રોજ ચૂંટણી લક્ષી સભાનું તત્કાલીન તાલુકા પંચાયતના પ્રમુખ ડો. ડાહ્યાભાઇ પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના તાકતવર નેતા અને તત્કાલીન આરોગ્યમંત્રી વલ્લભભાઇ પોપટભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ ચૂંટણીલક્ષી સભા પૂરી થતા હેલ્થ મીનીસ્ટર વલ્લભભાઇ પટેલ તેમના પગરખાં પહેરતા હતાં તે વખતે એક નવયુવાન ધસી આવ્યો હતો. અને છરી વડે હુમલો કરી છએક જેટલાં ઘા ઝીંકી દીધા હતા. પ્રાણઘાતક હુમલો કરી શખ્સ નાસી છૂટ્યો હતો. મીનીસ્ટર વલ્લભભાઇ પટેલને સારવાર માટે તાત્કાલિક તેમની ખાનગી મોટરકારમાં બેસાડી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં તેમનું મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગે તત્કાલીન ડી.વાય.એસ.પી. હેમુભા તખુભા જાડેજાએ આજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. આરોગ્યમંત્રી વલ્લભભાઈ પટેલના હત્યા કેસની તપાસમાં સી.બી.આઇ.ની ટીમ પણ જોડાઈ હતી. પ્રાથમિક તપાસમાં હુમલાખોર તરીકે હડમતીયા (જં.) ના અનિરુદ્ધસિંહ ચંદુભા જાડેજાનું નામ ખુલતા તેની જામખંભાળીયા ખાતેથી ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. જે કેસની તપાસ પી.એસ.આઇ. વી.વી.ગોહિલે સંભાળી હતી. પોલીસે તપાસ દરમીયાન સંખ્યાબંધ સાહેદોના નિવેદનો નોંધી જરૂૂરી પંચનામાંઓ કર્યા હતા. ચાર્જશીટ બાદ કેસ રાજકોટ સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતા ફરીયાદપક્ષે કુલ 84 જેટલાં સાક્ષીઓને તપાસી ઢગલાબંધ દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યા હતા. તે વખતના અધિક સેશન્સ જજ સી.એ. સેજપાલે તા.17/04/1996 ના રોજ અનિરુદ્ધસિંહ જાડેજાને શંકાનો લાભ આપી છોડી મુક્યા હતા.
રાજકોટ સેશન્સ કોર્ટના ચુકાદાને સરકારે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરીને પડકાર્યો હતો. જે અપીલની સુનાવણી બનાવના આશરે 36 વર્ષ બાદ ગુજરાત હાઇકોર્ટમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ હાઇકોર્ટે સરકાર દ્વારા કરવામાં આવેલી અપીલ નામંજૂર કરી સેશન્સ કોર્ટનો ચુકાદો યથાવત રાખતો હુકમ કર્યો છે. આ અપીલમાં આરોપી વતી ગુજરાતનાં સિનિયર કાઉન્સિલ યોગેશ લાખાણી, ધર્મેશ દેવનાની અને રાજકોટના યુવા ધારાશાસ્ત્રીશ્રી ગૌરાંગ ગોકાણી રોકાયા હતા.
સ્વ.વલ્લભભાઇ પટેલની જીવન ગાથા
વલ્લભભાઈ પટેલ ગોંડલ તાલુકાના કોલીથડ ગામના વતની હતા અને તેમણે સહકારી ક્ષેત્રે ખૂબ જ સારું યોગદાન આપ્યું હતું. વલ્લભભાઈ પટેલ કોંગ્રેસ શાસન દરમિયાન સૌરાષ્ટ્રના ખેડૂત નેતા તરીકે ઉભરી આવ્યા હતા. વલ્લભભાઈ પટેલે રાજકોટ લોધિકા સંઘની શરૂૂઆત કરી હતી. 1970ના મધ્યભાગમાં તેઓએ સ્વતંત્ર ચૂંટણી લડી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને બાદમાં જનતા પાર્ટીમાં જોડાયા હતા ત્યારબાદ વલ્લભભાઈ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા અને ગુજરાત સહકારી મંત્રી બન્યા હતા. વલ્લભભાઈ પટેલ 62 વર્ષની ઉંમરે આરોગ્ય મંત્રી તરીકે હતા ત્યારે તેઓની હડમતીયા ગામે યોજાયેલી ચૂંટણી સભામાં હત્યા થઈ હતી.