પડધરીમાં 6.90 લાખની રોકડ સાથેના આંગડિયા કર્મચારીના સ્કૂટરની ઉઠાંતરી
પડધરીમા પીએમ આંગડીયા પેઢી ચલાવતા અને રાજકોટ રહેતા આંગડીયાનાં કર્મચારીનુ રૂ. 6.90 લાખની રોકડ સાથેનુ મોટર સાયકલ પડધરી પાસે ગઠીયો હંકારી જતા આ મામલે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. રીચાર્જ કરવા માટે ઉભેલા આંગડીયાનાં કર્મચારીનુ રોકડ ભરેલુ સ્કુટર ગઠીયો હંકારી ગયો હતો.
મળતી વિગતો મુજબ રાજકોટનાં રૈયા સર્કલ પાસે ટ્રીનીટી ટાવરમા રહેતા અને પડધરીમા પીએમ આંગડીયા નામની પેઢી ચલાવતા મુળ પડધરીનાં પરાગ ચંદ્રકાંતભાઇ ચગ (ઉ.વ. 30) એ નોંધાવેલી ફરીયાદમા જણાવ્યા મુજબ ગત તા 24 નાં તે મોરબી કામ અર્થે ગયા હતા ત્યારે પેઢીમા કામ કરતા પડધરી બાલાજી પાર્કમા રહેતા શકીલ દલનો ફોન આવ્યો હતો અને તે સ્કુટરની ડેકીમા ગ્રાહકોની રૂ. 6.90 લાખની રોકડ દેવા જતો હતો ત્યારે રસ્તામા મોબાઇલની દુકાને રીચાર્જ કરાવવા ગયો ત્યારે સ્કુટર કોઇ ઉઠાવી ગયાનુ જણાવ્યુ હતુ આ મામલે પરાગભાઇએ પડધરી પોલીસમા ફરીયાદ નોંધાવી હતી. પેઢીનો કર્મચારી શકીલ રીચાર્જ કરાવવા માટે પડધરીમા આવેલી મોબાઇલની દુકાને ગયો ત્યારે ગઠીયો સ્કુટરની ડેકીમા રાખેલા રૂ. 6.90 લાખની રોકડ અને મોટર સાયકલ સહીત રૂ. 7.1પ લાખનો મુદામાલ ચોરી જતા હવે આ મામલે પોલીસે બનાવ સ્થળ આસપાસનાં સીસીટીવી કેમેરાનાં આધારે વધુ તપાસ શરૂ કરી છે.
બનાવ વખતે પરાગભાઇ મોરબી હોય તેઓ તાત્કાલીક પડધરી દોડી આવ્યા હતા અને પોતાનાં પરીચીતો અને મીત્રોની મદદથી રોકડ ભરેલુ સ્કુટર જે ચોરી થયુ હોય તેની માહીતી મેળવવા માટે તપાસ કરી હતી પરંતુ કોઇ સફળતા નહી મળતા અંતે પોલીસ ફરીયાદ નોંધાઇ હતી.