મિત્ર સટ્ટામાં હારી જતાં આંગડિયા કર્મચારી 1.10 કરોડ લઈ ભાગી છુટયો
ત્રણ મિત્રો સાથે મળી રચેલું કારસ્તાન, રામેશ્વરમ હરી ફરી પરત આવતાં બે ઝડપાયા, 85 લાખ સાથે સટોડિયા સહિત બે ફરાર, 25 લાખ રિકવર કરતી ક્રાઈમ બ્રાંચ
રાજકોટનાં મ્યુનિ.કમિશ્નરના બંગલા પાસે આવેલા આર.કે. એન્ટરપ્રાઈઝ નામની આંગડીયા પેઢીનો કર્મચારી રૂા.1.10 કરોડ લઈ નાસી છુટયો હોય જે મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાંચે તપાસમાં ઝંપલાવી આંગડીયાના કર્મચારી અને તેના મિત્રને ઝડપી લઈ રૂા.25 લાખની રોકડ કબજે કરી હતી. આ સમગ્ર પ્રકરણની તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ મામલે આંગડીયા કર્મચારીના મિત્ર ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સ અને તેનો પિતરાઈ ભાઈ પણ સંડોવાયેલા હોવાનું ખુલ્યું હતું જે બન્ને હાલ ફરાર છે. ક્રિકેટના સટ્ટામાં મોટી રકમ હારી જતાં આંગડીયાના કર્મચારીને મિત્રએ પ્લાન બનાવી રૂા.1.10 કરોડ લઈ ભાગી છુટયા હતાં અને ત્યારબાદ આ રકમ રાજકોટમાં રહેતા એક શખ્સના ઘરે મુકી દીધી હતી. આ મામલે ક્રાઈમ બ્રાંચે વિશેષ પુછપરછ શરૂ કરી છે. પકડાયેલા આંગડીયા પેઢીના કર્મચારી સહિત બે શખ્સોને ત્રણ દિવસના રિમાન્ડ પર લઈ વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, શહેરના જે.કે.ચોક પાસે આલાપ એવન્યુમાં રહેતા અને યાજ્ઞીક રોડ પર મ્યુનિ.કમિશ્નરના બંગલા સામે સ્પંદન કોમ્પલે બીજા માળે આર.કે.એન્ટરપ્રાઈઝ નામની આંગડીયા પેઢી ચલાવતાં યતીનભાઈ બાબુભાઈ ચુડાસમાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેમની પેઢીમાં છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરતાં નંદાહોલ પાસે કોઠારીયા રોડ પર ન્યુ કેદારનાથ સોસાયટી શેરી નં.5માં રહેતા અનિકેતન અરજણભાઈ સુરેલાનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ, 11 દિવસ પૂર્વે ગત તા.30-6નાં રોજ અનિકેત કે જે પેઢીમાં રૂપિયાનું કલેકશનનું કામ કરતો હોય તે સાંજે યાજ્ઞીક રોડ બ્રાન્ચેથી સોની બજાર પ્રાઈમ એન્ટરપ્રાઈઝ વાળા જીતુભાઈને ત્યાં એકટીવા મોટર સાઈકલ નં.જીજે.3.જે.એચ.882 લઈ નીકળ્યો હતો. યતીનભાઈ કે જે આર.કે.એન્ટરપ્રાઈઝનું સંચાલન કરે છે. જે બીજી બ્રાંચ પ્રાઈમ એન્ટરપ્રાઈઝ યુનિવર્સિટી પર હોય તેનું સંચાલન મોટભાઈ ઈન્દ્રે બાબુભાઈ ચુડાસમા તથા યાજ્ઞીક રોડ પર આવેલ પ્રાઈમ એન્ટરપ્રાઈજનું સંચાલન સંજયભાઈ ભીમાણી અને સોની બજારમાં આવેલ બ્રાંચનું સંચાલન જીતેનભાઈ ઠક્કર કરે છે.
અનિકેત 30/6એ સોની બજાવરમાં ડી.કે.આંગડીયામાંથી 75 લાખ, એન.આર.એન્ટરપ્રાઈઝમાંથી 25 લાખ, કીર્તી અંબાલાલમાંથી 10 લાખ મળી 1.10 કરોડ લઈને નીકળ્યો હતો. જેમાં સોની બજાર આર.કે.એન્ટરપ્રાઈઝમાં 71 લાખ અને યાજ્ઞીક રોડ પ્રાઈમ એન્ટરપ્રાઈઝમાં 24 લાખ આપવાના હતાં અને બાકીના 15 લાખ આર.કે.એન્ટરપ્રાઈઝમાં ઓફિસમાં જમા કરાવવાના હતાં. પરંતુ અનિકેતનો ફોન બંધ થઈ જતાં તે રૂપિયા લઈને ભાગી ગયો હોય તેવું માલુમ પડયું હતું. જેથી આ મામલે યતીનભાઈએ પોલીસ અધિકારીઓને જાણ કરી હતી અને જે અંગે ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી હતી. પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવના માર્ગદર્શનમાં ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ વી.ડી.ડોડીયા સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન અનિકેતનું સ્કુટર ગોંડલ રોડ પરથી રેઢુ મળ્યું હતું. દરમિયાન તપાસ કરતાં અનિકેત પોલીસ સકંજામાં આવી ગયો હતો.
ક્રાઈમ બ્રાંચના સકંજામાં આવેલા અનિકેતે પુછપરછમાં વટાણા વેરી દીધા હતાં અને તેની સાથે આ 1.10 કરોડ રોકડ ચોરીમાં તેનો મિત્ર ભાર્ગવ તથા જંગલેશ્ર્વરમાં રહેતા આશિષ બસીયા અને તેનો પિતરાઈ ભાઈ જયપાલ બસીયા સંડોવાયેલ હોવાનું કબુલ્યું હતું તે દરમિયાન અનિકેતનો મિત્ર ભાર્ગવ પણ પોલીસ સકંજામાં આવી ગયો હતો. આ મામલે તપાસમાં કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં ક્રિકેટ સટ્ટામાં મોટી રકમ હારી ગયેલા આશિષ બસીયાએ સમગ્ર પ્લાન બનાવ્યો હતો.
તેમાં તેનો ભાઈ જયપાલ બસીયા સામેલ હતો. અનિકેત અને ભાર્ગવને મળવા બોલાવી અગાઉ આશીષે આંગડીયા પેઢીમાં મોટી રકમનું કલેકશન આવે ત્યારે જાણ કરવા કહ્યું હતું. 30-6એ જ્યારે 1.10 કરોડનું કલેકશન આવ્યું ત્યારે અનિકેતે આશીષને વાત કરી હતી. જેથી આ રોકડ લઈને અનિકેતને ગોંડલ રોડ પર એક હોટલ પાસે બોલાવ્યો હતો. જ્યાં આશીષ, જયપાલ અને ભાર્ગવ પણ હાજર હતાં. એક કારમાં ત્રણેય ત્યાં આવ્યા બાદ રોકડ 1.10 કરોડ લઈ તે ભાર્ગવના ઘરે રાખવામાં આવી હતી અને આ ચારેય રાજકોટ મુકીને ભાગી ગયા હતાં અને પ્લાન મુજબ પરત આવ્યા બાદ જો ફરિયાદ ન થાય તો ભાર્ગવના ઘરેથી રૂપિયા 1.10 કરોડ લઈ ભાગ બટાઈ કરી લેવી તેવો પ્લાન હતાં. રાજકોટથી રામેશ્ર્વર ગયા બાદ આશીષ અને જયપાલ બન્ને એક દિવસ પહેલા રાજકોટ આવ્યા અને રોકડ રકમ લઈને ભાગી ગયા હતાં. જેમાંથી પોલીસે ભાર્ગવ અને અનિકેત પાસેથી 25 લાખ રિકવર કર્યા છે. જ્યારે 85 લાખ બન્ને ભાઈઓ ભાગી છુટયા હોય જેની શોધખોળ શરૂ કરી છે.
રૂપિયા 1.10 કરોડ આવ્યા બાદ ટોળકી રામેશ્ર્વરમ જાત્રા કરવા પહોંચી
આર.કે.એન્ટરપ્રાઈઝના કલેકશનના રૂપિયા 1.10 કરોડ અનિકેતે જમા કરાવવાના બદલે રોકડ લઈને ભાગી ગયો હોય તેની સાથે આ ચોરીમાં આશીષ બસીયા, જયપાલ બસીયા અને ભાર્ગવ મળેલા હોય આટલી મોટી રકમ હાથમાં આવ્યા બાદ આ ટોળકીએ જાત્રાએ જવાનું નક્કી કર્યુ હતું અને રાજકોટથી અમદાવાદ અને ત્યાંથી મુંબઈ અને ત્યાંથી મદુરાઈ અને અંતે રામેશ્ર્વરમ દર્શને ગયા હતાં. છેલ્લા 10 દિવસ ટુર પર જઈ આ ચોરીની રકમમાંથી રૂપિયા વાપર્યા હતાં અને બાકીની રકમ જે ભાર્ગવના ઘરે રાખવામાં આવી હતી. રામેશ્ર્વરમમાં ચારેયે દર્શન કર્યા બાદ આશિષ અને જયપાલ બન્ને ફલાઈટમાં પરત અમદાવાદ અને ત્યાંથી રાજકોટ આવ્યા હતાં. જ્યારે અનિકેત અને ભાર્ગવ રોકાયા હતાં. આશિષ અને જયપાલે રાજકોટ આવી ભાર્ગવના ઘરે રોકડ ભરેલો થેલો લઈ ભાગી છુટયા હતાં. આ મામલે પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે અનિકેતનું નામ ખુલ્યા બાદ એક પછી એક આ બનાવના રહસ્ય ઉપરથી પડદો ઉચકાયો હાલ અનિકેત અને ભાર્ગવની રિમાન્ડ ઉપર પુછપરછ શરૂ કરી આશીષ અને જયપાલની શોધખોળ શરૂ કરાઈ છે.