કાલાવડના છાપરા પાસે અજાણ્યા વાહનચાલકે રિક્ષાને ઉલાળી : કેટરર્સમાં જતી રાજકોટની પાંચ મહિલાને ઈજા
રાજકોટથી સીએનજી રીક્ષામાં બેસી આઠ થી દસ લોકો કેટરર્સના કામે જઈ રહ્યા હતાં ત્યારે કાલાવડનાં છાપરા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે રીક્ષાને ઉલાડતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ મહિલાને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે એક મહિલાની હાલત ગંભીર જણાતાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટથી સીએનજી રીક્ષામાં બેસી આઠ થી દસ લોકો કેટરર્સના કામે જઈ રહ્યા હતાં ત્યારે કાલાવડનાં છાપરા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે રીક્ષાને ઉલાડતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં લીલાબેન કાળુભાઈ હૈયતર (ઉ.58), જશુબેન વિજયભાઈ મક્કા (ઉ.37), સુનિતાબેન ગગજીભાઈ મક્કા, લીલાબેન ભીખાભાઈ સરવૈયા અને જયોત્સનાબેન ભૈલાભાઈ બાબરીયાને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
જેમાં લીલાબેનની તબિયત ગંભીર જણાતાં વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતાં. આ ઉપરાંત બીજા બનાવમાં પ્રકાશ કાળુભાઈ વાસ્કલે (ઉ.18) અને શત્રુ (ઉ.30) ડમ્પર લઈ જઈ રહ્યા હતાં ત્યારે મધરાત્રે મોરબીના ભરતનગરમાં બંધ ગાડી પાછળ ડમ્પર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા બન્ને યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.