સુરેન્દ્રનગરમાં કાર નીચે કચડી વૃદ્ધની હત્યા
વોન્ટેડ આરોપીએ આઠેક મહિના પહેલાં પોલીસ પર હુમલો કરી પોલીસની આંગળી કાપી નાખી હતી: હત્યાની ઘટનાથી ચકચાર, આરોપી હજુ પોલીસ પકડથી દૂર!
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા અત્યંત ખાડે ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે આરોપી પોલીસ પર હુમલો કરી ફરાર થયો હતો અને પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો એને 8-8 મહિના સુધી પોલીસ પકડી શકી નહીં. હવે એ જ આરોપીએ હત્યાનો ગુનો કર્યો છે.
આઠ મહિના પહેલા જાલમસિંહ નામના આરોપીએ સુરેન્દ્રનગર જિલ્લાના ઝિંઝુવાડામાં પોલીસ ઉપર હુમલો કરી પોલીસકર્મીની આંગળી કાપી નાખી હતી અને ટોળા દ્વારા પોલીસ પર હુમલો કરી આરોપીને છોડાવી લેવામાં આવ્યો હતો.
આરોપી જાલમસિંહને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. આ આરોપી 8-8 મહિનાથી પોલીસ પકડથી દૂર છે પોલીસ તેને હજુ ગોતી રહી છે. પરંતુ આ જાલમસિંહે ગામમાં આવીને પોલીસની નાક નીચેથી આધેડ ઉપર કાર ચડાવી દઈ અને તેની હત્યા કરી નાખી છે.
આઠ મહિના પહેલા પોલીસને બાતમી આપી હતી તે અંગેનો રાગદ્વેષ રાખીને ઝીંઝુવાડા ગામે કાર લઈને આવેલા જાલમસિંહ અને અન્ય લોકો દ્વારા વૃદ્ધ ઉપર કાર ચડાવી દેવામાં આવી હતી. અને આ બનાવવામાં પોલીસે બે પક્ષો સામે ગુનો દાખલ કર્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ ઘટના બાદ આજે 80 વર્ષના ગઉભા ઝાલાનું સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને ગુનો હત્યામાં ફેરવાયો છે.
પોલીસ ઉપર હુમલો કરી પોલીસની આંગળીઓ કાપી નાખનાર અને પોલીસ જપ્તામાંથી ભાગી ગયેલો જાલમસિંહ ગામમાં આવી અને હત્યા કરી જાય અને પોલીસને આ બાબતની કોઈ જાણ પણ ન થાય! પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે કારણકે પોલીસ ઉપર હુમલો કરનાર ઇસમો ગામમાં અવારનવાર દેખાતા હોવાની ફરિયાદ પણ મળી છે છતાં પોલીસ તેની ધરપકડ ન કરી શકતી હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
જાલમસિંહે આધેડની હત્યા કરી એ મામલે પોલીસે તપાસ શરૂૂ કરી છે, પરંતુ પોલીસ પોતે પોતાને ન્યાય નથી અપાવી શકી તો હવે આ વૃદ્ધના મોત બાદ કેવો ન્યાય અપાવી શકશે?
પોલીસ ત્યાં હાલ પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી રહી છે પરંતુ ન્યાય કેવી રીતે મળશે. જાલિમસિંહને પકડવા જતા પોલીસ પોતે માર ખાઈને પાછી આવી છે છતાં આરોપીને પકડી શકતી નથી, હવે આ જાલિમસિંહ પોલીસ પકડમાં ક્યારે આવશે તે પણ એક સવાલ છે.