હોસ્પિટલ ચોકમાં શાકભાજીના ધંધાર્થીને મિત્રોએ દારૂ પીવડાવી માર મારી લૂંટ ચલાવ્યાનો આરોપ
શહેરમાં ઘંટેશ્ર્વર પચ્ચીસવારીયામાં રહેતો અને શાકભાજીનો ધંધો કરતો યુવાન હોસ્પિટલ ચોકમાં હતો ત્યારે મિત્રોએ દારૂ પીવડાવી માર માર્યો હતો અને રોકડ રૂપિયાની લુંટ ચલાવી હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ઘંટેશ્ર્વર પચ્ચીસવારીયામાં રહેતો કિશન દિનેશભાઈ કુંવરીયા નામનો 26 વર્ષનો યુવાન મધરાત્રે હોસ્પિટલ ચોકમાં હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં કિશન કુંવરીયા શાકભાજીનો ધંધો કરે છે અને ગઈકાલે રાત્રે હોસ્પિટલ ચોકમાં હતો ત્યારે તેના મિત્રોએ દારૂ પીવડાવી માર મારી રોકડ રૂપિયાની લુંટ ચલાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત બીજા બનાવમાં થોરાળા વિસ્તારમાં આવેલ અવધ પાર્ક સોસાયટીમાં રહેતાં દિનેશભાઈ ગોવિંદભાઈ પરમાર (ઉ.55) સાથે મુકેશ રાણા પરમાર અને કમલેશ રાણા પરમારે ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.