ભાવનગરમાં પોલીસ પુત્રની હત્યા કરી નાસી છૂટેલા ત્રણેય આરોપીઓ ઝડપાયા
ભાવનગરમાં મહિલા એએસઆઈના પુત્રની હત્યા કરી નાસી છૂટેલા ત્રણેય આરોપીઓને પોલીસે આજે ઝડપી લીધા હતા. ભાવનગર શહેરના સુભાષનગર શહેર ફરતી સડક વિસ્તારમાં રહેતા હત્યાના ગુનામાં જામીન પર છૂટેલા મહિલા એએસઆઈ ના પુત્ર કેવલ દિલીપભાઈ વાઘોશી (ઉ.વ.28)ની અર્જુન લક્ષ્મણભાઈ સાટીયા, ભરત ખીમાભાઈ સાટીયા અને ભાર્ગવ ઉર્ફે ભરત પાતાભાઈ સાટીયા (રહે. તમામ માલધારી સોસાયટી,ભાવનગર)એ તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી હતી.
વર્ષ-2018માં કરશન ઉર્ફે ભાણો લક્ષ્મણભાઈ સાટીયાની થયેલી હત્યામાં મૃતક પણ સાગરિત હોવાથી હત્યાનો બદલો લેવા કેવલ પર ત્રણેય શખ્સોએ હત્યા નીપજાવ્યા બાદ મૃતકના કુટુંબી ભાઈ યુગલ અને મિત્ર દિવ્યેશને છરી બતાવી ધમકી આપી નાસી ગયા હતા. પોલીસે આરોપીઓને શોધવા એલસીબીની એક, એસઓજીની એક અને ઘોઘારોડ પોલીસ મથકની એક ટીમ મળી કુલ ત્રણ ટીમોનું ગઠન કરી આરોપીઓને શોધવા તપાસ હાથ ધરી છે. દરમિયાન આજે પોલીસે હત્યાના ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા અને તેની પૂછપરછ હાથ ધરી હતી.