કાર ભાડે લઈ ગયા બાદ ગઠિયાએ કાર પરત ન આપી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી સાથે ઠગાઈ
રાજકોટ શહેરમાં સેલ્ફ ડ્રાઈવના નામે કાર ભાડે લઈ ગયા બાદ પરત નહીં આપી છેતરપીંડીના બનાવો વધુ બની રહ્યા છે. ત્યારે રાજકોટમાં વધુ એક ઠગાઈનો બનાવ બન્યો છે. માધાપર ચોકડી પાસે સુંદરમ સીટી વિંગ ડી તુલીપ ફ્લેટમાં રહેતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીની પાંચ લાખની કાર ભાડે લઈ ગયા બાદ ગઠિયાએ 10 દિવસનું ભાડુ ચૂકવી કાર પરત નહીં આપતા છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે.
બનાવની વધુ વિગત અનુસાર સાગરભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ઘરેથી જ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ ધરાવી ધંધો કરે છે તેમને 16-7ના રોજ જયદિપ જગદીશ વાઘેલા (રહે. ઓમ વસંતપુષ્પ એપાર્ટમેન્ટ ફ્લેટ નં. 103 અશ્રર નગર, ગાંધીગ્રામ)નો કોલ આવ્યો હતો.
તેઓ ઓફિસ આવી ડોક્યુમેન્ટ આપી બે દિવસનું ભાડુ આપી કાર લઈ ગયા હતાં. તેમજ તેમનું બાઈખ ત્યાં મુકી ગયા હતા. ત્યાર બાદ તેઓએ ત્રણ દિવસ માટે વધુ કાર જોઈએ છે કહી રૂા. 5100 આપ્યા હતાં. ત્યાર બાદ વધુ એક વાર 20-7ના રોજ જયદીપભાઈનો કોલ આવ્યો કે છ દીવસ હજુ ભાડે કાર રાખવી છે. કહી રૂા. 10 હજાર ઓનલાઈન મોકલ્યા હતાં. ત્યાર બાદ 27ના ધંધાર્થીએ કાર પરત આપવા અંગે વાત કરતા આરોપી જયદીપ બહાના કાઢવાના શરૂ કર્યા હતા અને ત્યાર બાદ ફોન ઉપાડવાનું બંધ કરી દેતા ટુર્સના ધંધાર્થીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.