ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મીઠાપુર વિસ્તારમાં મહાકાલ ગેંગના મુખ્ય સુત્રધારો સહિત સાત સાગરીતો વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી

03:33 PM Oct 10, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

 

રાજયમાં છેલ્લા કેટલાક વર્ષોથી સંગઠીત ગુનાઓ સમાજ માટે ગંભીર પડકારરૂપ બન્યા છે. જેના માધ્યમથી આવા તત્વો ગેરકાયદેસર રીતે સંપતિ તથા કાળા નાણાનું પ્રમાણ મહતમ હોવાથી અર્થતંત્ર પર આની વિપરીત અસર થાય છે. ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટ તથા ત્રાસવાદી સંગઠનોના ઇરાદાઓ એકસરખા હોવાથી તેઓ નારકો-ત્રાસવાદને પ્રોત્સાહન આપે છે, જેથી ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારની ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટને નેસ્ત નાબૂદ કરવાના પ્રયાસના ભાગરૂપે ગુજસીટોક (ગુજરાત આંતકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ) પસાર કરી તેની રચના કરવામાં આવી છે.

આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા જયરાજસિંહ વાળાના વડપણ હેઠળ સ્થાનિક ગુના શોધક શાખા તથા મીઠાપુર પોલીસ સ્ટેશન દ્વારા આ પ્રકારની કાર્યરત ગેંગ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

જેમાં પ્રાથમિક માહીતી વર્ષ 2022 દરમ્યાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ઓખા મંડળ અને મીઠાપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કાર્યરત બિચ્છુ ગેંગ વિરુદ્ધ આ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યાર બાદ કિશનભા ભાવુભા માણેક (જોધાણી) (રહે. માણેક ચોક, સુરજકરાડી મુળ રહે. મેવાસા) અને મેહુલ ઉર્ફે ભુરો કમલેશભાઈ પરમાર (રહે. સાંઇ બાબાના મંદિરની પાછળ, આરંભડા સીમ, મુળ રહે. ભાતેલ, તા. ખંભાળિયા) દ્વારા સિન્ડિકેટ રચીને એક નવી "મહાકાલ ગેંગ" કાર્યરત થયેલ હોવાનું ધ્યાને આવ્યું હતું.

ગત તા. 15 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે આરોપીઓ દ્વારા એક યુવાનનું અપહરણ કરી પોતે ઉંચા વ્યાજે આપેલ નાણાની ઉઘરાણી કરવા તેમજ ખંડણી મેળવવા માટે તેનું અપહરણ કરી, ટેલિફોનીક ધાકધમકી આપી એકબીજાએ ગુનામાં મદદગારી કરી ગુનો આચર્યો હતો. જેથી તા. 16 ના રોજ મીઠાપુર પોલીસ સ્ટેશન મથકમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ- 140(2), 142, 115(2), 351(3), 352, 54, 62(2) તથા ગુજરાત નાણા ધીરધારની જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ પ્રકારની ગેંગ સતત ગુનાહિત પ્રવૃતિમાં કાર્યરત હોવાનું ખુલતા આ બાબતે પોલીસ અધિક્ષક તરફથી ગુપ્ત રાહે કરવા આપેલી સૂચનાને અનુલક્ષીને મીઠાપુર પી.આઈ. દ્વારા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઉપરોક્ત આરોપીઓ દ્વારા એક અનુસુચિત જાતિની મહીલા સહિત તેમના પરીવારજનોને જાતિવાચક શબ્દો કહી તેઓના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાથી મીઠાપુર પોલીસ મથકમાં બી.એન.એસ. તથા એટ્રોસિટી એક્ટની કલમ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ સંદર્ભે એલસીબીના સહયોગથી મીઠાપુરના પી.આઈ. દ્વારા હાથ ધરવામાં આવેલી ખાનગી તપાસ દરમ્યાન આરોપીઓ એક ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડિકેટ ચલાવી રહ્યા હોવાનું તેમજ તેઓ વ્યકિતગત તેમજ સંયુકત રીતે ખૂનની કોશિષ, ધાકધમકી આપી ડરાવવુ, ધમકાવવું, અનુસુચિત જાતિ જન જાતિ ઉપર અત્યાચાર, ગેરકાયદેસરની મંડળી બની ગુના આચરવા જેવા શરીર સબંધી ગુનાઓ તથા મિલ્કત સબંધી જેવા કે ગેરકાયદેસર રીતે ખંડણી વસૂલવી તેમજ ગેરકાયદેસર રીતે પ્રોહિબીશન જેવી અસામાજિક પ્રવૃતિ આચરીને મીઠાપુર સહિત ઓખા મંડળ વિસ્તારમાં ડરનો માહોલ ઉભો કરી આર્થિક અનુચિત લાભ (Proceeds of Crime) મેળવતા હોવાનું ખુલવા પામ્યું હતું.

આરોપીઓ છેલ્લા ઘણા સમયથી સતત આવી ગુનાહિત પ્રવૃતિ આચરી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડિકેટનું વિસ્તરણ કરી એક નવનિયુકત "મહાકાલ ગેંગ" ચલાવવા ઉપરાંત આરોપીઓની સતત ચાલી રહેલ ગુનાહિત પ્રવૃતિને અંકુશ મેળવવા ગુજસીટોક હેઠળની કાર્યવાહી કરવી અનિવાર્ય જણાતા જે આધારે ગુજસીટોક હેઠળની કાયદાકીય જોગવાઇઓ મુજબની પ્રક્રિયા પૂર્ણ કરી, ગાય તા. 7 ઓક્ટોબરના રોજ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ (ગુજસીટોક) હેઠળ કુલ 7 આરોપીઓ વિરૂધ્ધમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ ત્રીજી ગેંગનો સફાયો કરવા ગુજસીટોક હેઠળની કાર્યવાહી કરવામાં આવી છે.

- ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટમાં આરોપીઓની સંડોવણી -

ઉપરોકત ગુનાના કામના ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડિકેટના મુખ્ય સુત્રધારો સહિત કુલ સાત આરોપીઓનો આ ગુજસીટોકના કાયદા હેઠળ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. જે તમામને હસ્તગત કરી, તા. 14 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર મેળવવામાં આવ્યા છે. આ ગુનાની આગળની વધુ તપાસ દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડ ચલાવી રહ્યા છે.

આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર કિશનભા ભાવુભા માણેક (જોધાણી) (ઉ.વ. 24, રહે. ઉદ્યોગનગર, સુરજકરાડી) સામે ચાર ગુનાઓ અન્ય એક મુખ્ય સૂત્રધાર મેહુલ ઉર્ફે ભૂરો કમલેશ પરમાર (ઉ.વ. 19, રહે. આરંભડા સીમ) સામે પાંચ ગુનાઓ, તેમજ ગેંગના પાંચ સભ્યો એવા કરણભા જેઠા કારા (ઉ.વ. 19, રહે. ભીમરાણા) સામે ત્રણ, ઉમેશભા અજુભા માણેક (ઉ.વ. 21, રહે. સુરજકરાડી) સામે ત્રણ, કનૈયા ઉર્ફે કાનો સામરા હાથીયા (ઉ.વ. 25, રહે. આરંભડા) રહે આરંભડા સામે ત્રણ, એભાભા વીરાભા સુમણીયા (રહે. આરંભડા) સામે આઠ અને દીપુભા વીરાભા સુમણીયા (રહે. આરંભડા) સામે બે ગુનાઓ નોંધાયા છે.

- મહાકાલ ગેંગની ગુનાહિત પ્રવૃતિ -

આ સંગઠીત ગુનાહીત ટોળકીના સુત્રધારો સહિત તેના સભ્યો છેલ્લા ઘણા સમયથી મીઠાપુર વિસ્તારમાં વ્યકિતગત તેમજ સામુહીક રીતે પોતાની ધાક જમાવવાના હેતુથી સતત રીતે હાલ સુધી ગંભીર પ્રકારના શરીર સબંધી ગુનાઓ આચરી કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ શાંતીનો ભંગ કરી પોતાની ધાક જમાવવા તેમજ ગુનાહીત વર્ચસ્વ સ્થાપિત કરવા ખુનની કોશીષ, ખંડણી વસુલવી, ગેરકાયદેસર મંડળી રચવી, અનુસુચિત જાતિ જન જાતિ ઉપર અત્યાચાર ગંભીર ઇજા જેવી મારામારી, ધાકધમકી આપવી, બળજબરીથી પડાવી લેવુ, ગેરકાયદેસર રીતે દારૂ જેવી અસામાજીક પ્રવૃતિ ચલાવવી વિગેરે જેવા અનેક ગુનાહીત કૃત્યો આચરી, મીઠાપુર વિસ્તારની આમ જનતા માટે ભયનું વાતાવરણ ઉભુ કર્યું હતું.

આ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડિકેટના મુખ્ય સુત્રધારો સહિત તેના સભ્યો વિરૂધ્ધ અનેકવાર ગુનાહિત કાર્યવાહી તેમજ જરૂરી અટકાયતી પગલા લેવામાં આવ્યા હોવા છતા તેઓ પોતાની આ પ્રકારની ગુનાહિત પ્રવૃતિ અવિરતપણે કાર્યરત રાખતા હતા. આ મહાકાલ ગેંગના સદસ્યો મીઠાપુરની જનતા પાસેથી વસ્તુઓ લઇ પૈસા નહી આપવા, જાહેરમાં દાદાગીરી કરી, માર મારવો, ધમકાવવા વિગેરે જેવી અનેક ગુનાહિત પ્રવૃતિ કરી હતી. પરંતુ આ ગેંગના ભયના કારણે આમજનતા તેઓ વિરૂધ્ધ કોઇ રજુઆત કે ફરીયાદ કરવા માટે સરળતાથી તૈયાર થતા ન હતા.

ઉપરોકત મહાકાલ ગેંગને અંકુશમાં લઇ નેસ્તનાબૂદ કરવાના આ પ્રકરણમાં મહાકાલ ગેંગના મુખ્ય સુત્રધાર સહિત અન્ય આરોપીઓ વિરુધ્ધમાં ગુજસીટોક હેઠળની કાર્યવાહી કરવામાં તેમજ તેઓને ઝડપી પાડી સમગ્ર ઓપરેશન તથા ગુપ્ત વર્કઆઉટની કામગીરીમાં એલસીબી પી.આઈ. કે.કે. ગોહીલ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તથા એલસીબી ટીમ તેમજ મીઠાપુરના પી.આઈ. ડી.એન. વાંઝા તથા મીઠાપુર પોલીસ મથકના કર્મચારીઓ, પી.એસ.આઈ. એસ.વી. કાંબલીયા તથા ટેકનીકલ સેલના પોલીસ કર્મચારીઓ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.

Tags :
crimegujaratgujarat newsMahakal gangMithapurMithapur news
Advertisement
Next Article
Advertisement