ઓખા મંડળમાં માછીમારી કાયદાનું ઉલ્લંઘન કરતા ચાર સામે કાર્યવાહી
એસ.ઓ.જી. પોલીસની ખાસ ઝુંબેશ
આગામી દિવસોમાં ચોમાસાની ઋતુ શરૂૂ થનાર છે. જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંદરો પર માછીમારી કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે હાલ આ બંધ સિઝનમાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા જતા શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસ.ઓ.જી. પી.આઈ. પી.સી. સિંગરખીયા તેમજ તેમની ટીમ દ્વારા ઓખા મરીન પોલીસ મથક વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ કામગીરી કરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન નાના આંબલા ગામના યુસુબ હુસેન સંઘાર, સાહિલ રજાક સંઘાર, આરંભડા ગામનો કાસમ અલારખા નાયાણી અને નુરમામદ ખમીસા બેતારા નામના શખ્સો દ્વારા પોતાની નાની યાંત્રિક હોડી મારફતે ચોમાસાની બંધ સિઝનમાં પણ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં માછીમારી કરતા ઝડપી લઇ, ઉપરોક્ત ચારેય શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ઓખા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. પ્રશાંત સીંગરખીયા સાથે સ્ટાફના અશોકભાઈ સવાણી, જગદીશભાઈ કરમુર, હરદાસભાઈ મોવર અને પ્રકાશભાઈ દવે દ્વારા કરવામાં આવી હતી.