સુરતના ગોડાદરામાં તબીબ ઉપર એસિડ એટેક
પરિચિત શખ્સે ક્લિનિકમાં ઘૂસી એસિડનો કેરબો રેડયો
સુરતના ગોડાદરા વિસ્તારમાં ગતરાત્રે એક હચમચાવી નાખતી ઘટના બની હતી. શ્રીસાંઈ ક્લિનિક ચલાવતા ડો. શામજી બલદાણિયા પર એક વ્યક્તિ દ્વારા એસિડ-એટેક કરવામાં આવ્યો હતો. ગુરુવાર રાત્રે પોણા આઠ વાગ્યાની આસપાસ એક વ્યક્તિ કેરબો લઈને ડોક્ટરના ક્લિનિકમાં ઘૂસ્યો હતો અને સલ્ફ્યુરિક એસિડ વડે ડોક્ટર પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી છે.
ગણતરીની સેક્ધડોમાં ડોક્ટર પર એસિડ ફેંક્યું ઘટનાના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, પીળા રંગનો શર્ટ પહેરેલ એક વ્યક્તિ હાથમાં એસિડનો કેરબો લઈને એકાએક દોટ મૂકીને ક્લિનિકમાં પ્રવેશ કરે છે. શખ્સે ગણતરીની સેક્ધડોમાં ડોક્ટર પર એસિડ ફેંક્યો. આ હુમલા બાદ ડો. બલદાણિયા આ શખસ સાથે ઝપાઝપી કરતા જોવા મળે છે અને તે શખ્સને ધક્કો મારીને ક્લિનિકની બહાર કાઢી મૂકે છે. ત્યાર બાદ ડોક્ટર ગંભીર રીતે દાઝી ગયા છતાં મદદ માટે નજીકના મેડિકલ સ્ટોર સુધી દોડી જાય છે.આ ઘટનામાં ડો. શામજી બલદાણિયાની હાલત નાજુક હોવાની માહિતી મળી રહી છે. ઘટના બાદ તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ગોડાદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપી શખસને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો.
માહિતી મુજબ, હુમલો કરનાર શખસ ધીરુ કવાડ હતો, જે ડો. બલદાણિયાનો જ પરિચિત છે. કૌટુંબિક વિખવાદને કારણે આ હુમલો કરાયો હોવાનો પ્રાથમિક અંદાજ છે. ધીરુ કવાડે હુમલાની પૂર્વે બે વાર ક્લિનિકની રેકી કરી હતી અને આ યોજના બનાવ્યા બાદ એસિડનો કેરબો લઈને ડોક્ટર પર હુમલો કર્યો. પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે.