દિલ્હીમાં કોલેજની વિદ્યાર્થિની પર 3 યુવકોનો એસિડ એટેક
દિલ્હી યુનિવર્સિટીની લક્ષ્મીબાઈ કોલેજની 20 વર્ષીય વિદ્યાર્થિની પર ભારત નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેના પરિચિત ત્રણ માણસોએ એસિડથી હુમલો કર્યો હતો. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂૂ કરી છે.દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, 26 ઓક્ટોબર, દીપચંદ બંધુ હોસ્પિટલ તરફથી એક ફોન આવ્યો જેમાં તેમને જાણ કરવામાં આવી હતી કે દિલ્હીના મુકુંદપુરની 20 વર્ષીય મહિલા એસિડથી બળી જવાથી દાખલ થઈ છે. પીડિતાએ જણાવ્યું કે તે બીજા વર્ષની વિદ્યાર્થિની છે અને તેના વર્ગ માટે અશોક વિહાર સ્થિત લક્ષ્મીબાઈ કોલેજ ગઈ હતી.
જ્યારે તે કોલેજ જઈ રહી હતી, ત્યારે તેનો પરિચિત, મુકુન્દપુરનો રહેવાસી જીતેન્દ્ર, તેના મિત્રો, ઈશાન અને અરમાન સાથે મોટરસાયકલ પર આવ્યો. ઈશાને અરમાનને એક બોટલ આપી, જેણે તેના પર એસિડ ફેંક્યો. પીડિતાએ પોતાનો ચહેરો ઢાંકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના બંને હાથ ઘાયલ થયા. પોલીસે જણાવ્યું હતું કે આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે જીતેન્દ્ર તેનો પીછો કરતો હતો અને લગભગ એક મહિના પહેલા તેમની વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી.
