આધેડની હત્યાના ગુનાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા
માળિયાના વર્ષામેડી ગામના 2021ના બનાવમાં કોર્ટે ચૂકાદો આપ્યો
માળિયાના વર્ષામેડી નજીક વર્ષ 2021 માં છરીના ઘા ઝીકી 51 વર્ષીય આધેડની હત્યા કરવાનો કેસ મોરબી સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી આજીવન કેદની સજા રૂૂ 20,000 દંડ ફટકાર્યો છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 21-05-2021 ના રોજ ભાનુબેન ભરતભાઈ વાઘેલા રહે માળિયા મોટા દહીંસરા વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના દીકરા હરેશભાઈ દોઢેક માસ પૂર્વે આરોપી દિનેશ ઉર્ફે નીનો પ્રભુભાઈ મહાલીયા રહે વર્ષામેડી તા. માળિયા વાળાની બહેન સાથે કોર્ટમાં પ્રેમલગ્ન કર્યા હતા જેનું મનદુ:ખ રાખી આરોપીએ હુમલો કર્યો હતો ફરિયાદી ભાનુબેન અને પતિ ભરતભાઈ ગંગારામભાઈ વાઘેલા (ઉ.વ.51) વાળા સાથે બાઈકમાં વર્ષામેડીથી પરત પોતાના ઘરે જતા હતા ત્યારે આરોપીએ અચાનક છરી વડે હુમલો કરી ગાળો આપી ભરતભાઈને છરીના ઘા ઝીકી દઈને મોત નીપજાવ્યું હતું માળિયા પોલીસે ગુનો નોંધી તા 23-05-21 ના રોજ આરોપીને ઝડપી લીધો હતો.
જે કેસ મોરબી સેશન્સ જજ પી ડી શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલી જતા કોર્ટે બંને પક્ષની દલીલો અને પુરાવાઓને ધ્યાને ઈને આરોપી દિનેશ ઉર્ફે નીનો પ્રભુભાઈ મહાલીયા (ઉ.વ.29) રહે વર્ષામેડી તા. માળિયા (મી.) વાળાને ઈપીકો કલમ 302 મુજબના ગુનામાં કસુરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂૂ 20,000 દંડ અને દંડ ના ભરે તો વધુ બે વર્ષની સાદી કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
