શિક્ષકને ડીજીટલ એરેસ્ટ કરી 20 લાખ પડાવવાના કેસમાં આરોપી જામીન મુક્ત
ડીજીટલ એરેસ્ટ કરીને 20 લાખ રૂૂપિયા પડાવી લેવાના સાયબર ફ્રોડના ફરિયાદીની ફરિયાદમાં જણાવ્યા મુજબ ગુનાની હકીકત એવી કે ગત તા.03/03/2025 ના રોજથી તા.07/03/2025 દરમ્યાન ફરિયાદીના મોબાઈલ ઉપર વોટ્સેપ વિડીયો કોલ ઉપરથી કોલ આવેલા અને ક્રાઈમ બ્રાન્ચમાંથી ડી.સી.પી. બોલું છું એવી ઓળખ આપીને એવું જણાવેલું હતું કે તમારા નામે મુબઈ થી બેંગકોક નુ એક પાર્સલ બુક થયેલું છે અને આ પાર્સલમાં પાંચ પાસપોર્ટ, ત્રણ એટીએમ કાર્ડ, એક લેપટોપ, 4 કિલો કાપડ તથા 140 ગ્રામ એમડીએમએ મળી આવેલા છે.
અને ફરિયાદીના આધાર કાર્ડ ઉપરથી સીમકાર્ડ એક્ટીવ થેલા છે અને બેંક એકાઉન્ટ ખુલેલા છે અને આ એકાઉન્ટમાં મોટાપાયે નાણાકીય વ્યવહારો થયેલા છે અને આ નાણાનો ઉપયોગ મનીલોન્ડરિંગ અને ફ્રોડ કેસમાં થયેલો છે. જો તમો તપાસમાં સહકાર નહી આપો તો તમારી ધરપકડ કરીને જેલમાં નાખવા બાબતે મુંબઈ ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. આવું જણાવીને ફરીયાદી પાસેથી અલગ અલગ એકાઉન્ટ માંથી રૂૂપિયા 20 લાખ ટ્રાન્સફર કરાવી લઈને ફરિયાદીના નાણા પડાવી લીધા હતા. આ અંગે ફરીયાદી દ્વારા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સુરત શહેરમા ફરીયાદ નોંધાવેલી હતી જે અન્વયે 7આરોપીઓની પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરાતા કોર્ટ દ્વારા તમામ આરોપીને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.
જેમાંથી એક આરોપી શાહનવાઝ મહમદ સીદીક વાઢા (રહે.જામનગર) એ પોતાના એડવોકેટ દ્વારા સુરત સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલી હતી, આરોપીના વકીલ દ્વારા વિવિધ કોર્ટના ચુકાદાઓ ટાંકીને રજૂઆત કરેલી અને વિવિધ મુદ્દા ઉપર ધારદાર દલીલો કરવામાં આવી હતી. આરોપીના વકીલોની દલીલો ગ્રાહ્ય રાખી સુરતના સેશન્સ મેજીસ્ટ્રેટ એ.કે.શાહ દ્વારા આરોપીને પંદર હજારના જામીન ઉપર છોડી મુકવાનો હુકમ કર્યો હતો.આ કેસમાં આરોપીના વકીલ તરીકે ગોંડલના વિજયરાજસિંહ એસ.જાડેજા, નીલેશભાઈ બી.મકવાણા, કલ્પેશ એ. ચનિયારા તેમજ એચ.કે.ચનિયારા રોકાયેલા હતા.