For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શ્રમિક પરિવાર ઉપર ખૂની હુમલો કરી આરોપીએ ઝેરી દવા ગટગટાવી

12:13 PM Sep 26, 2025 IST | Bhumika
શ્રમિક પરિવાર ઉપર ખૂની હુમલો કરી આરોપીએ ઝેરી દવા ગટગટાવી

જામકંડોરણાના છોડવદર ગામની સીમમાં મધરાત્રે શ્રમિક પતિ-પત્ની અને માસુમ પુત્રી ઉપર હથોડી લઈ તૂટી પડયો

Advertisement

હુમલા પાછળ શેઢા તકરાર કારણભૂત કે અન્ય કાંઈ?, સમગ્ર પંથકમાં ચકચાર મચાવતી ઘટના

જામકંડોરણાના છોડવદરની સીમમાં વાડીએ સુતેલા મજુર પરિવાર ઉપર એક શખ્સે હથોડો લઈને જીવલેણ હુમલો કર્યો હતો. નિંદ્રાધીન દંપતિ અને તેમની છ વર્ષની પુત્રીને હથોડાના ઘા ઝીંકી દેનાર આ શખ્સે પોતે પણ ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે ખસેડાયો છે. બીજી તરફ આ જીવલેણ હુમલામાં ઘવાયેલા દંપતિને જૂનાગઢ જ્યારે છ વર્ષની પુત્રીને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મુળ મધ્યપ્રદેશના મજુર પરિવારના દંપતિ અને બાળકી ઉપર જીવલેણ હુમલો કરવા પાછળનું કારણ શું ? તે બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે.

Advertisement

મળતી વિગતો મુજબ જામકંડોરણા તાલુકાના છોડવદરની સીમમાં મનસુખભાઈ મોહનભાઈ ટીલાળાની વાડીમાં ભાગ્યુ રાખતાં મુળ મધ્યપ્રદેશના રાકેશ તીલમશી શિંગાળા (ઉ.વ.27) તેની પત્ની કેતુબેન (ઉ.25) અને છ વર્ષની પુત્રી રાયકુ વાડીએ સુતા હતાં ત્યારે દસ વાગ્યાના સુમારે તે જ ગામનો વિજય અરવિંદ સારીખડા નામનો શખ્સ વાડીએ ધસી ગયો હતો અને મકાનનો દરવાજો ખુલ્લો રાખીને સુતેલા રાકેશ, કેતુબેન અને છ વર્ષની રાયકુ ઉપર હથોડાથી હુમલો કર્યો હતો. પ્રથમ રાકેશ ઉપર હથોડાથી હુમલો કરતાં તે વાડીના મકાનમાંથી બહાર ઈજાગ્રસ્ત હાલતમાં દોડયો હતો. ત્યારબાદ તેની પત્ની કેતુબેન પણ ત્યાંથી ભાગી હતી. છ વર્ષની રાયકુને પણ હથોડાના ઘા ઝીંકી દીધા હતાં.

પરિવારના ત્રણ સભ્યો ઉપર હથોડાથી હુમલો કરી ભાગેલો શખ્સ વિજય અરવિંદ સારીખડા હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના વખતે દેકારો થતાં આસપાસના વાડી મજુરો મનસુખભાઈ ટીલાળાની વાડીએ દોડી આવ્યા હતાં. ઈજાગ્રસ્ત રાકેશ અને તેની પત્ની કતુબેનને સારવાર માટે જૂનાગઢ છ વર્ષની રાયકુબેનને રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

આ ઘટના બાદ હુમલાખોર વિજય અરવિંદ સારીખડાએ પોતે પણ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને ઉપલેટા સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. આ બનાવની જાણ થતાં ઉપલેટા પોલીસ મથકના પીઆઈ વાઢીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અરવિંદે એક જ પરિવારના ત્રણ સભ્યો ઉપર હુમલો શા માટે કર્યો ? તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.એક જ પરિવારના ત્રણ સભ્યો ઉપર થયેલા હુમલા પાછળનું કારણ શું ? તેને લઈને છોડવદર ગામમાં પણ ભારે ચર્ચા જાગી છે. વાડી વિસ્તારમાં બનેલા આ બનાવમાં હથોડાથી હુમલો કરનાર આ શખ્સે પાતાલલોક ફિલ્મની જેમ હુમલો કર્યો હોય જે બાબતે પોલીસ તપાસ ચલાવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement