For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફુલગ્રામ ત્રિપલ મર્ડર કેસના આરોપીને આજીવન કેદની સજા

12:02 PM Aug 14, 2024 IST | Bhumika
ફુલગ્રામ ત્રિપલ મર્ડર કેસના આરોપીને આજીવન કેદની સજા
Advertisement

ઘટનાના પાંચ દિવસમાં જોરાવરનગર પોલીસે 1008 પાનાનું ચાર્જશીટ રજૂ કર્યુ

Advertisement

વઢવાણ તાલુકાના ફુલગ્રામમાં સામ-સામે રહેતા પડોશીઓને ગટરના કામ બાબતે મનદુ:ખ ચાલ્યુ આવતુ હતુ.ત્યારે ગત તા. 6-2-2023ના રોજ ખેતરેથી બાઈક પર આવેલા પતિ-પત્ની સાથે બાઈક મુકવા બાબતે બોલાચાલી કરી એક શખ્સે છરીના ઘા ઝીંકયા હતા. જેમાં પતિ-પત્ની અને પિતાની કરપીણ હત્યા કરાઈ હતી. આ કેસમાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી છેલ્લા શ્વાસ સુધીના કારાવાસની સજા ફટકારી છે.ફુલગ્રામમાં એક જ શેરીમાં સામ-સામે રહેતા બે પરીવારોને શેરીમાં ગટર લાઈન નાંખવા બાબતે મનદુ:ખ રહેતુ હતુ. તા. 6-2-2023ના રોજ બપોરે લીંબડી એસ.ટી.ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ધર્મેશભાઈ હમીરભાઈ મેમકીયા અને તેમના પત્ની દક્ષાબેન ધર્મેશભાઈ મેમકીયા ખેતરેથી બાઈક લઈને ઘરે આવ્યા હતા.

ત્યારે શેરીમાં રહેલા અને પડોશી અગરસંગ નાગજીભાઈ માત્રાણીયાએ શેરીમાં ભુગર્ભ ગટરનો પાઈપ એકબાજુ લેવા બાબતે બોલાચાલી હતી.જેમાં ઉશ્કેરાયેલા અગરસંગે સૌ પ્રથમ છરીના ઘા બાઈકમાં પાછળ બેઠેલા દક્ષાબેનને માર્યા હતા.બાઈક ચાલક ધર્મેશભાઈ કાંઈ સમજે તે પહેલા તેમના ગળા પર પણ છરી ફેરવી દીધી હતી. જયારે શેરીમાં ઓટલે બેસેલા ધર્મેશના પિતા હમીરભાઈ કેહરભાઈ મેમકીયાને પણ છરી મારી દીધી હતી. શેરીમાં દેકારો થતા લોકો એકઠા થઈ ગયા હતા અને આરોપીને ઘરમાં પુરી દીધો હતો.

બનાવની જાણ થતા ડીવાયએસપી એચ.પી.દોશી અને પીએસઆઈ આર.જે.જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને આરોપીની ધરપકડ કરી લીધી હતી અને હત્યામાં વપરાયેલ છરી પણ કબજે કરી હતી. આ કેસમાં જોરાવરનગર પોલીસ દ્વારા બનાવના પાંચ જ દિવસમાં કોર્ટમાં 1008 પાનાની ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. આ અંગેનો કેસ ચાલી જતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીની દલીલો, 58 દસ્તાવેજી અને 14 મૌખીક પુરાવાના આધારે સુરેન્દ્રનગર સેશન્સ જજ એલ. એસ. પીરઝાદાએ આરોપી અગરસંગ ઉર્ફે જીવરાજ ઉર્ફે અગો નાગજીભાઈ માત્રાણીયાને તકસીરવાન ઠેરવ્યો હતો.કેસના ચાલવા દરમિયાન સમગ્ર ઘટના નજરે જોનાર 7 વર્ષના બાળક સાહીલની જુબાની મહત્વની બની રહી હતી અને જીવનના છેલ્લા શ્વાસ સુધી કોઈપણ માફી વગર સખત આજીવન કારાવાસની સજા ફટકારી કોર્ટે ન્યાય તોળ્યો છે. જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા એ સુરેન્દ્રનગરના ઈતિહાસમાં કદાચ સૌ પ્રથમવારનો ચૂકાદો હોવાનું જિલ્લા મુખ્ય સરકારી વકીલે જણાવ્યુ હતુ.

Advertisement
Tags :
Advertisement
Advertisement