અકસ્માતનું નાટક કરી પૈસા પડાવનાર આરોપી ઝડપાયો
સ્કૂટર પર આવેલા શખસે વેપારી પાસેથી નુકશાન થયાનો ખર્ચ માંગી 20 હજાર રૂપિયા પડાવ્યા હતા
જીવરાજ પાર્કમાં કસ્તુરી એપાર્ટમેન્ટમાં રહેતાં અને યુનિવર્સિટી રોડ પર બાલાજી પાર્કમાં ગ્રોકોન એક્ષપોર્ટ નામની પેઢી ધરાવતાં ભાર્ગવભાઈ હસમુખભાઈ ચાંગેલા (ઉ.વ.42)ની કાર સાથે અકસ્માત થયાનું જણાવી ટુ વ્હીલર પર આવેલા અજાણ્યા શખ્સે ડરાવી, ધમકાવી રૂૂા.ર0 હજાર પડાવી લીધાની માલવીયાનગર પોલીસ મેથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે માલવીયા નગર પોલીસ સ્ટાફે આરોપીને ઝડપી તમામ રોકડ રીકવર કરી હતી.
મેલબોર્નથી એમબીએનો અભ્યાસ કરનાર ભાર્ગવભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈ તા.27ના રોજ ભક્તિનગરથી હોન્ડા સિટી કાર લઈ ઘરે જતા હતા ત્યારે નાના મવા સર્કલ પાસે સિલ્વર હાઈટસની બાજુમાં તેની ડ્રાઈવર સીટની ડાબી બાજુ દરવાજા પાસે અજાણયા ટુ વ્હીલર ચાલકે હાથમાં પહેરેલા કડાથી મુક્કા મારવાનું શરૂૂ કર્યું હતું. એટલું જ નહીં હાથના ઈશારાથી તેની કાર રોકવાનું કહ્યું હતું.પરંતુ ટ્રાફિક હોવાથી આગળ જઈ કાર ઉભી રાખતાં તે શખ્સે આવી ગાળો ભાંડી કહ્યું કે તમે મારા બાઈકમાં તમારી ગાડીનું એકસીડેન્ટ કર્યું છે. જેની સામે તેણે દલીલ કરી હતી.જેથી તે શખ્સે કહ્યું કે નાના મવા રોડ મારા બાપનો છે,આ રોડ પર મારો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે, મારા એકટીવામાં ભલે નુકસાન ન થયું હોય,પરંતુ તારે પૈસાનો વહીવટ કરવો જ પડશે. બાદમાં તેને મારી નાખવાની ધમકી આપી હતી.
જેને કારણે જીવનું જોખમ લાગતાં તેણે રૂૂા.5-10 હજાર આપવા તૈયારી બતાવી હતી. પરંતુ તે શખ્સે રૂૂા. 20 હજારની માગણી કરતાં તેણે તે રકમ આપી દીધી હતી.આ પછી તે શખ્સે કહ્યું કે તારી પાસે કેટલી પ્રોપર્ટી છે,કેટલા વીઘા જમીન છે, વર્ષની આવક કેટલી છે તેવા સવાલો પુછી વધુમાં કહ્યું કે તારી પાસે મોટી ગાડી છે એટલે તારો બીઝનેસ મોટો લાગે છે. તારા મોબાઈલ નંબર મને આપ.જેથી તેણે મોબાઈલ નંબર આપી મેટર પુરી કરવાનું કહ્યું હતું. પરંતુ તે શખ્સે કહ્યું કે હું તને ગમે ત્યારે ફોન કરૂૂ તો મારી ઓફિસે હાજર થવું પડશે. બાદમાં તે શખ્સ જતો રહ્યો હતો.
ઘરે પરિવારજનોને વાત કરતાં ફરિયાદ કરવાનું કહ્યું હતું પરંતુ તેણે જાનનું જોખમ જણાતા ના પાડી હતી. આખરે પિતાએ હિંમત આપતાં ફરિયાદ નોંધાવી હતી આ મામલે માલવીયા નગર પોલીસ મથકનાં પીએસઆઇ એમ. જે. ધાધલ, એએસઆઇ હિરેનભાઇ પરમાર, હેડ કોન્સ્ટેબલ ચીત્રકેતુસિંહ ઝાલા અને મનીષભાઇ સોઢીયા સહીતનાં સ્ટાફે બાતમીનાં આધારે તેમજ સીસીટીવી ફુટેજથી આરોપીને ઓળખ મેળવી મવડી ફાયર બ્રીગેડ પાસેથી ખીજડાવાળા મેઇન રોડ પર આવેલા માયાણીનગર શેરી નં ર મા રહેતા કરણસિંહ મહીપતસિંહ ખેરડીયાને ઝડપી લીધો હતો. આરોપીને પૈસાની જરુર હોય માટે અકસ્માતનુ નાટક કરી પૈસા પડાવ્યા હોવાની કબુલાત આપી હતી.