શાપરમાં મહિલા મિત્રની હત્યા કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો
શાપરમાં પોતાની સાથે પત્ની તરીકે રહેતી મહિલાની હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મુકવા કોર્ટે હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ શાપરમાં પોતાની સાથે પત્ની તરીકે રહેતી લક્ષ્મી નામની મહિલાની હત્યા કર્યા બાદ છેલ્લા દોઢેક વર્ષથી સાધુ વેશમાં નાસતા ફરતા આરોપી કપુર લેખરાજ ઉર્ફે લેખરામ આહિરવાર (ઉ.વ.48, રહે. મૂળ યુ.પી.)ને શાપર પોલીસે ઝારખંડમાંથી ઝડપી લીધો હતો. આરોપીનો હરિદ્વારમાં મૃતક મહિલા સાથે પરિચય થયા બાદ તેને લઈ શાપર આવી ગયો હતો. જયાં ગઈ તા.4-8-2024ના રોજ મૃતક મહિલાની હત્યા કરી ભાગી ગયો હતો. ઘટનાને અંજામ આપી ઝારખંડના ડેલ્ટાગંજ શહેરમાં સાધુના વેશમાં ભિક્ષાવૃત્તિ કરતો હતો. હત્યા કેસમાં દોઢ વર્ષથી ફરાર હત્યારાને પોલીસે ડેલ્ટાગંજ શહેરમાંથી ઝડપી લીધો હતો.
જે કેસમાં આરોપી વિરુદ્ધ તપાસ અધિકારી દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. બાદ કેસ ગોંડલ કોર્ટમાં ચાલી જતા બંને પક્ષના વકીલોની દલીલો બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકીલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ ગોંડલ કોર્ટના ન્યાયાધીશ એચ. એ. ત્રિવેદીએ આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકવા હુકમ કર્યો છે.આ કેસમાં આરોપીના બચાવ પક્ષે ગોંડલના યુવા એડવોકેટ આઈ.બી. જાડેજા અને પ્રશાંત સોલંકી રોકાયા હતા.
