પિતા સાથે ઝઘડો કરી ઘરમાં આગ ચાંપી છરીની અણીએ ધમકી આપવાના કેસમાં આરોપી નિર્દોષ
આગ લગાડતા કોઈએ જોયેલ હોય તેવું રેકર્ડ પર નથી, શોર્ટ સર્કિટના કારણે પણ આગ લાગી શકે તેવી એફ.એસ.એલ. ઓફિસરની જુબાની
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હેઠળની લાભદીપ સોસાયટીમાં સંયુક્ત કુટુંબમાં રહેતા પરિવારમાં પિતા પાસે પૈસા માંગવા બાબતે થયેલા ડખામાં મકાનમાં આગ ચાંપી દેવા ઉપરાંત તેની પત્નીને છરીની અણીએ ધમકી આપવાના દોઢ વર્ષ પહેલાંના કેસમાં અદાલતે આરોપી પુત્રનો છુટકારો ફરમાવ્યો છે.
આ કેસની હકીકત મુજબ, લાભદીપ સોસાયટી શેરી નં.બેમાં અમૃતભાઈ જીવરાજભાઈ પરમાર, પત્ની, પુત્ર શીતાંશુ, તેના પત્ની ધારાબેન વગેરે સાથે રહેતા હોઈ, શીતાંષુ કાંઈ કામધંધો કરતો ન હતો, દરમિયાન તા.27/ 06/ 2024ના રોજ બપોરે શીતાંશુએ પિતા અમૃતભાઈ પાસે વાપરવા માટે પૈસાની માંગણી કરતા થયેલ ઉગ્ર વાદવિવાદમાં પુત્રે ઘરમાં તોડફોડ કરી, મકાનમાં નીચેના ભાગે આગ લગાડતા હોલ, બેડરૂૂમ, કિચનમાં ફર્નિચર વગેરે ઘર વખરીના સામાનમાં આગને કારણે ખુબ જ નુકશાન પહોંચાડેલ, આ બનાવમાં શીતાંશુએ છરી લઈ પત્ની ધારાને મારી નાખવાની ધમકી આપતા, ધારાબેન તેમના સગાને ત્યાં ચાલ્યા ગયા હતા, જે અંગે અમૃતભાઈ પરમારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પુત્ર શીતાંશુ સામે ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે આરોપીની ઘરપકડ કરી ધોરણસરની કાર્યવાહી અને તપાસ કર્યા હતા.
આ અંગેનો કેસ અદાલતમાં ચાલતા કોર્ટે નવ મૌખીક તેમજ બાર દસ્તાવેજી પુરાવાઓ તપાસેલ, જે સામે આરોપીઓના એડવોકેટ રઘુવીરભાઈ બસીયાની મુખ્ય દલીલ એવી હતી કે આરોપીને મકાનમાં આગ લગાડતા કોઈએ જોયેલ હોય તેવું રેકર્ડ પર આવેલ નથી તેમજ એફ.એસ.એલ. રિપોર્ટમાં કોઈ પેટ્રોલિયમ પદાર્થની હાજરી જણાઇ આવેલ નથી, એફ.એસ.એલ. ઓફિસરની જુબાની મુજબ શોર્ટ સર્કિટના કારણે પણ આગ લાગી શકે છે
તેવો અભિપ્રાય, આરોપીના પત્ની ધારાબેનની જુબાનીમાં આરોપીએ તેને કોઈ ચાકુ બતાવેલ હોય તેવું રેકર્ડ પર આવેલ નથી, આજુબાજુમાં રહેતા સાહેદોની જુબાની મુજબ પણ આરોપીએ આગ લગાડેલ હોય તેવું સાબીત થતું ન હોય સહિતની દલીલો ધ્યાને લઈ અદાલતે આરોપી શીતાંશુ અમૃતભાઈ પરમારને નિર્દોષ છોડી મુકતો હુકમ કરેલ હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ રઘુવીર બસીયા રોકાયા હતા.
