એસ્ટ્રોન ચોકમાં બે એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માત: સ્કૂલે જતી ધો.6ની છાત્રાને ઇજા
માતાના સ્કૂટર પાછળ બેસી જુડવા બહેનો સ્કૂલે જતી ત્યારે ઘટી ઘટના; માતા અને બહેન પણ સ્કૂટર પરથી પટકાઇ
શહેરમાં ગુંદાવાડી વિસ્તારમાં આવેલા કૈલાશ પાર્કમાં રહેતી મહિલા બંને જુડવા પુત્રીને સ્કૂટરમાં બેસાડી તપસ્વી સ્કૂલમાં મૂકવા જતી હતી. ત્યારે એસ્ટ્રોન ચોક પાસે સામેથી આવતા સ્કૂટર સાથે અકસ્માત સર્જાતા ત્રણેય માતા પુત્રી સ્કૂટર પરથી નીચે પટકાઈ હતી. જેમાં ધો.6ની છાત્રાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગુંદાવાડીમાં આવેલા કૈલાશ પાર્કમાં રહેતી દિવ્યાબેન દેવાભાઈ દેવાણી નામની 11 વર્ષની બાળકી પોતાની માતા અંજનાબેનના સ્કૂટરમાં બેસીને તપસ્વી સ્કૂલમાં જઈ રહી હતી. ત્યારે એસ્ટ્રોન ચોક પાસે પહોંચતા અજાણ્યા સ્કૂટર ચાલકે અંજનાબેનના સ્કૂટરને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં દિવ્યાબેન દેવાણીને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતાં એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં દિવ્યા દેવાણી એક ભાઈ બે બહેનમાં વચ્ચેટ છે. અને તપસ્વી સ્કૂલમાં ધો.6માં અભ્યાસ કરે છે. બંને જુડવા બહેનોને તેની માતા અંજનાબેન સ્કૂલે મૂકવા જતા હતા. ત્યારે અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.