રાજકોટમાં 50 હજારની લાંચ લેતા પકડાયેલા બે કાર્યપાલક ઈજનેરના ઘરે ACBનું સર્ચ
રણુજાના મેળામાં રાઈડસના ફીટનેશન સર્ટી માટે 1 લાખની લાંચ માંગી હતી, ત્રણેયે રાત લોકઅપમાં વિતાવી
કાલાવડના રણુજા ખાતે યોજાયેલ મેળામાં રાઈડસ રાખનાર વેપારી પાસેથી રૂૂ.50 હાજરની લાંચ માંગનાર બે કાર્યપાલક ઈજનેરો સહિત ત્રણ શખસોને મોરબી એસીબીની ટીમે રાજકોટમાં પારેવડી ચોક પાસે હોટલ નજીક લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા બાદ બને કાર્યપાલક ઈજનેરના ઘરે એસીબીએ દરોડો પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. લાંચના ગુન્હામાં પકડાયેલ વચેટીયા અને બન્ને કાર્યપાલક ઈજનેરે રાત લોકઅપમાં વિતાવી હતી. બે કાર્યપાલક ઈજનેર લાંચ લેતા પકડાયાની વાતથી લાંચીયા સરકારી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
જાણવા મળતી વિગતો મુજબ સૌરાષ્ટ્રમાં મેળા દરમ્યાન રાઈડસનો ધંધો કરતા વેપારીએ કાલાવાડ નજીક રણુજા મંદિરે મેળામાં ભાગીદારીમાં રાઈડસનો ધંધો કર્યો હતો જેમા ચેકીંગમાં આવેલા કાર્યપાલક ઈજનેર અને માર્ગ મકાન અને યાંત્રીક વિભાગમાં નોકરી કરતા પીયુષ બાબુભાઈ બાંભરોલીયા અને નિરવ પ્રવિણ ચંન્દ્ર રાઠોડ સહીતના આવ્યા હતા અને રાઈડસ અંગે ફીટનેશ સર્ટીની માંગ કરી હતી અને ત્યાર બાદ તેને એક લાખની માંગ કરી હતી. દરમ્યાન વેપારીએ રકજક કર્યા બાદ છેલ્લે રૂૂ.50 હજાર આપી દેવા માટે નકકી કર્યુ હતુ. લાંચના પૈસા આપવા માટે વેપારીને મંજુર ન હોય તેને એસીબીમાં ઓનલાઈન ફરીયાદ કરી હતી. જેના આધારે મોરબીના એસીબીના પીઆઈ દેકાવાડીયા સહીતે છટકુ ગોઠવ્યુ હતુ. વેપારીએ પૈસા માટે ફોન કરતા કાર્યપાલક ઈજનેરએ પારેવડી ચોક પાસે હોટલે બોલાવ્યા હતા અને તેનો માણસ સુધીર નવિનચંન્દ્ર બાવીશીને લાંચના રૂૂપીયા આપવા માટે વાત કરી હતી. જેથી વેપારી હોટલે પહોચી પૈસા આપતા એસીબીની ટીમે રંગે હાથ સુધીર અને બાદમાં બન્ને કાર્યપાલક ઈજનેરોને પકડી લેવા કાર્યવાહી કરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે કાલાવાડના રણુજા મંદિર પાસે મેળામા રાઇડ્સનું ફીટનેસ સર્ટીફિકેટ આપવા બાબતે યાંત્રીક વિભાગના અધિકારીઓ લાંચ લેતા ઝડપાયાની વાતથી લાંચીયા સરકારી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે તાજેતરમાં જ જેતપુરમાં દિવાળી પૂર્વે યોજાયેલા મેળા દરમિયાન રાઇડ્સ તુટી પડતા દંપતીને ગંભીર ઇજા થઈ હતી. તે બાબતે આવા જ યાંત્રીક વીભાગના અધિકારીઓએ ફીટનેસ સર્ટીફિકેટ આપ્યુ હોય તે બનાવને પણ ગંભીર પ્રકારે તપાસ કરવામાં આવે તો અનેક ઘટસ્ફોટ થઈ શકે છે. લાંચના ગુન્હામાં પકડાયેલ બન્ને કાર્યપાલક ઈજનેરના ઘરે એસીબીએ દરોડો પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. લાંચના ગુન્હામાં પકડાયેલ વચેટીયા અને બન્ને કાર્યપાલક ઈજનેરે રાત લોકઅપમાં વિતાવી હતી.