રિબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં ફરાર આરોપી જૂનાગઢથી ઝડપાયો
ગોંડલના ચકચારી રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમા ફરાર વધુ એક આરોપીને ઝડપી લીધો છે જેતપુર શહેર પોલીસે લાંબા સમયથી ફરાર આરોપી હાલા શબ્બીર સુલેમાનને જૂનાગઢ જિલ્લાના ચોબારી ગામમાંથી ઝડપી પાડ્યો છે. જેતપુર શહેર પી.આઈ. એ.ડી. પરમાર અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે શબ્બીરનાં ઘરે વહેલી સવારે દરોડો પાડીને તેના ઘરેથી પકડ્યો હતો.
ધરપકડ બાદ આરોપી હાલા શબ્બીરને જેતપુર લાવવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ 30 ઓક્ટોબરની સાંજે ગોંડલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે કેસમાં તેની ભૂમિકા અને અન્ય પુરાવા એકત્ર કરવા માટે રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે પોલીસની દલીલોને ગ્રાહ્ય રાખીને હાલા શબ્બીર સુલેમાનના 3 નવેમ્બર, 2025 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, અમિત ખૂંટને કથિત હનીટ્રેપમાં ફસાવીને આપઘાત માટે મજબૂર કરવાના આ કેસમાં અનેક મોટા નામો સામેલ છે. આ કેસમાં મુખ્ય આરોપીઓ તરીકે અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાના નામ ખુલ્યા હતા. આ ઉપરાંત, વકીલો સંજય પંડિત અને દિનેશ પાતર, તેમજ પૂજા રાજગોર, રહીમ મકરાણી અને અગાઉ પકડાયેલ અતાઉલ મણિયાર (અથવા અતાઉલ્લાહ ખાન) સહિતના આરોપીઓની પણ પોલીસે ધરપકડ કરી છે આ કેસમા કુલ છ આરોપીઓની ધરપકડ કરાઇ છે જયારે રિબડાના રાજદિપસિંહ અને જુનાગઢનો રહિમ હજુ પોલીસ પકડથી દુર છે.
હવે હાલા શબ્બીર સુલેમાનની ધરપકડ અને રિમાન્ડ મંજૂર થતાં, પોલીસ તેની પૂછપરછમાં આ હાઈ-પ્રોફાઈલ કેસમાં અન્ય કોઈ કડીઓ ખૂલે છે કે કેમ, તે દિશામાં વધુ તપાસ હાથ ધરી રહી છે.