વાંકાનેરના રાતીદેવળીમાં રૂપિયાની ઉઘરાણીમાં યુવાન ઉપર વ્યાજખોર પાઈપ વડે તૂટી પડયો
3 વર્ષ પહેલા 10 ટકા લેખે લીધેલા 70 હજારમાંથી બાકી રહેલા 35 હજારની ઉઘરાણી કરતાં યુવાને ગીરો મુકેલા દાગીના માંગતા હુમલો કર્યાનો આરોપ
વાંકાનેરના રાતીદેવળી ગામે રહેતાં યુવાને ત્રણ વર્ષ પહેલા વ્યાજે લીધેલા રૂપિયાની વ્યાજખોરોએ ઉઘરાણી કરતાં યુવાને ગીરવે મુકેલા દાગીના પરત માંગતાં વ્યાજખોર પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેરના રાતીદેવળી ગામે રહેતાં વશરામ દેવશીભાઈ વરાણીયા નામનો 24 વર્ષનો યુવાન બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ગામમાં આવેલી તેના મામા મહેન્દ્રભાઈની વાડીએ હતો ત્યારે કુકલા ભરવાડે ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરતાં વાંકાનેર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં વશરામ વરાણીયાએ ત્રણ વર્ષ પહેલા બોલેરો ગાડી લેવા કુકલા ભરવાડ પાસેથી 10 ટકાના વ્યાજે રૂપિયા 70 હજાર લીધા હતાં. જે વ્યાજે લીધેલા રૂપિયા માંથી બાકી રહેલા રૂા.35 હજારની કુકલા ભરવાડે ઉઘરાણી કરતાં વશરામ વરાણીયાએ ગીરવે મુકેલા સોનાના ઘરેણાની માંગણી કરી હતી. જેથી ઉશ્કેરાયેલા વ્યાજખોરે હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.