ચુડા તાલુકાના ઝોબાળા ગામે સરાજાહેર યુવતીની છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા
પ્રેમસંબંધને કારણે હત્યા થઇ હોવાનું પ્રાથમિક તારણ, પોલીસે તપાસ શરૂ કરી
ઝોબાળા ગામે ઘરેથી કામ પર નિકળેલી હેતલબેન જુવાળિયા નામની યુવતી પર અજાણ્યા શખ્સે છરીથી હુમલો કરી તેની હત્યા કરી નાખી છે. પ્રાથમિક દ્રષ્ટિએ પ્રેમ સંબંધને કારણે આ હત્યા થયાનું અનુમાન છે. ત્યારે પોલીસ તપાસ ચાલુ કરી છે.
ચુડા તાલુકાના ઝોબાળા ગામે આજે સવારે એક 22 વર્ષીય યુવતીની છરીના ઘા મારી નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. મૃતક યુવતી હેતલબેન જુવાળિયા (ઉં.વ. 22, રહે. ઝોબાળા) રાણપુર ખાતે આવેલી એક કંપનીમાં કામ કરવા જઈ રહી હતી, ત્યારે ગામની અંદરના રોડ પર અજાણ્યા શખ્સે તેના પર છરી વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. હત્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો છે, ત્યારે પ્રાથમિક તપાસમાં આ હત્યા પ્રેમ સંબંધને લઈને થઈ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ગામમાં ચકચાર મચી ગઈ છે.
ઘટનાની વિગતો મુજબ, હેતલબેન આજે સવારે નિયમિત કામે જવા માટે ઘરેથી નીકળી હતી. ત્યારે ગામની અંદરના રોડ પર પહોંચતાં જ અજાણ્યા શખ્સે તેના પર અચાનક છરી વડે હુમલો કર્યો હતો અને છરીના ઘા ઝીંકીને યુવતીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. ઘટના બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા હતા અને તેમણે તુરંત પોલીસને જાણ કરી હતી.
બાદમાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો, ત્યારે પ્રાથમિક તપાસ મુજબ પ્રેમ સંબંધને લઈને હત્યા થઈ હોવાનું અનુમાન છે. જેથી પોલીસે આરોપીની શોધખોળ માટે વિવિધ ટીમો તૈનાત કરી છે અને સીસીટીવી ફૂટેજ તપાસ હાથ ધરી છે. પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ માટે વ્યાપક તપાસ હાથ ધરી છે.