કુરિયર કંપનીમાં કામ કરતાં યુવાન ઉપર સહકર્મી સહિતનાનો છરી વડે હુમલો
ભાવનગર રોડ પરની ઘટના; ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવારમાં ખસેડાયો
શહેરમાં જંગલેશ્ર્વર વિસ્તારમાં આવેલી અંકુર સોસાયટીમાં રહેતો અને કુરીયર કંપનીમાં કામ કરતો યુવાન ભાવનગર રોડ પર કુરીયરની ઓફિસ પાસે હતો ત્યારે સહકર્મચારી ભાવેશ સહિતનાં શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જંગલેશ્ર્વરમાં આવેલી અંકુર સોસાયટીમાં રહેતાં અખ્તર કાદરભાઈ જીરુકા નામનો 18 વર્ષનો યુવાન સાંજના સાડા પાચેક વાગ્યાના અરસામાં ભાવનગર રોડ પર પટેલ પાન પાસે આવેલ કુરીયરની ઓફિસ નજીક હતો ત્યારે કુરીયરમાં સાથે કામ કરતાં ભાવેશ નામના શખ્સે ઝઘડો કરી પેટમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં અખ્તર જીરુકા ત્રણ ભાઈમાં નાનો છે અને કુરીયર કંપનીમાં નોકરી કરે છે. સાંજે નોકરીના સ્થળે હતો ત્યારે સાથે કામ કરતા ભાવેશ નામના શખ્સ સાથે નજીવા પ્રશ્ર્ને બોલાચાલી થતાં ભાવેશે છરી વડે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે થોરડા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.