ધ્રાંગધ્રામાં રિસામણે બેઠેલી પત્નીને તેડવા ગયેલા યુવકને સાળાએ ધમકી આપતા ઝેર પીધું
ધાંગધ્રામાં રિસામણે બેઠેલી પત્નીને તેડવા ગયેલા પતિને સાળા સહિતના શખ્સે ધમકી આપતા યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ધાંગધ્રામાં આવેલા નરશીપરામાં રહેતા ઇમરાન કાદરભાઈ મકરાણી નામના 43 વર્ષના યુવાને તેના સસરા નથુભાઈના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ઇમરાન મકરાણીની પત્ની નસીમબેન છેલ્લા ચાર મહિનાથી રિસામણે બેઠી છે ગઈકાલે ઇમરાન મકરાણી પત્નીને તેડવા ગયો હતો ત્યારે સાળા જાવેદ અને તેના મિત્રએ તારે અહીં નહીં આવવાનું તારા ટાટીયા ભાંગી નાખીશું તેમ કહી ધમકી આપી હતી જેના કારણે યુવાને ઝેરી દવા પી લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં પડધરીમાં રહેતા હિરેનભાઈ મધુસુદનભાઈ પડધરીયા નામના 39 વર્ષના યુવકે બપોરના એકાદ વાગ્યાના અરસામાં પડધરી નાની બજારમાં હતો ત્યારે ફિનાઈલ અને ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં હિરેન પડધરીયાને નજીવા પ્રશ્ને પત્ની સાથે ઝઘડો થયો હતો જેથી ગૃહકલેશથી કંટાળી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.