સિહોરના યુવાન પર પ્રેમલગ્ન કર્યાની દાઝ રાખી ઘરમાં ઘૂસી શખ્સોનો હુમલો
ભાવનગરના સિહોર માં રહેતા યુવાને પ્રેમલગ્ન કર્યાની દાઝ રાખી યુવતીના પિતા સહિત સાત શખ્સોએ યુવાનના ઘરમાં અપ પ્રવેશ કરી પાઇપ અને ધોકા વડે યુવાન અને તેના ભાભી અને ભત્રીજા ઉપર હુમલો કરી મંગળસૂત્ર અને મોબાઈલ ફોનની લૂંટ કરી ધમકી આપી ફરાર થઈ જતા સિહોર પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર સિહોરના સ્ટેશન રોડ,શિક્ષક સોસાયટી,મુનિ ડેરીની પાછળ રહેતા અને ખોડીયાર મંદિર,રાજપરા ખાતે સેવા પૂજા કરતા યુવાન રવિપુરી પ્રકાશપુરી ગૌસ્વામીએ ગત તા.19/4 ના રોજ સ્ટેશન રોડ પર આવેલ સ્વસ્તિક સોસાયટીમાં રહેતા મોહનલાલ ઉકારલાલ જાટની દીકરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા તે બાબતની દાઝ રાખી ગઈ કાલે સવારે મોહનલાલ જાટ,શંકરલાલ તેમજ મહિલા સહિત અન્ય પાંચ અજાણ્યા લોકો છરી,ધોકો,પાઇપ સહિતના હથિયાર સાથે ઘરમાં ઘૂસી આવ્યા હતા અને અંજલિબેન વિશે પૂછપરછ કરી રવિપુરી ઉપર ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો,દરમિયાન રવિપુરીના ભાભી અવનીબેન અને ભત્રીજો શિવમ વચ્ચે પડતા તેમને પણ માર મારી મૂંઢ ઇજા પહોંચાડી હતી અને અવનિબેને પહેરેલ મંગળસૂત્ર તૂટી જતા મોહનલાલે મંગળસૂત્ર લઈ લીધું હતું અને રવિપુરીના મોટાબાપુ કોઈને ફોન કરવા જતા તેમનો ફોન પણ ઝૂંટવી લઈ મારી નાખવાની ધમકી આપી તમામ લોકો કારમાં ફરાર થઈ ગયા હતા.આ બનાવ અંગે રવિપુરી ગૌસ્વામીએ મોહનલાલ જાટ,શંકરલાલ અને પાંચ અજાણ્યા શખ્સ વિરુદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.