રાજકોટના યુવાનની કાર ભાડે લઇ 7.20 લાખમાં વેચી દીધી !
વડોદરાના ગઠિયા વિરૂધ્ધ અગાઉ માંજલપુર પોલીસમાં ગુનો નોંધાઇ ચુકયો છે : પોતે કરોડપતિ હોય તેવી ઇન્સ્ટાગ્રામમાં રીલ અપલોડ કરતો હતો
વડોદરાના ભેજાબાજે પોતાનું નામ બદલીને રાજકોટના રહીશ પાસેથી કાર ભાડે ફેરવવા લીધી હતી. ત્યારબાદ તેણે આ કારનો સોદો બારોબાર અન્ય વ્યક્તિને કરી દઇ 7.20 લાખ પડાવી લીધા હતા. જે અંગે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ પારેવડી ચોક પાસે મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા રામસીંગ રમેશભાઇ જાદવે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ - 2023 માં અમારા કાકા અનિલકુમાર કાલીદાસ જાદવના નામે મેં એક કાર લોન પર ખરીદી હતી. થોડા સમય પછી આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાના કારણે કાર ભાડે આપવાનું નક્કી કર્યુ હતું. ગત તા. 06 - 11 - 2024 ના રોજ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ આવી હતી. જેમાં લખ્યું હતું કે, તમારી કાર અમને ભાડે આપો અને પૈસા કમાવ. આ પોસ્ટ પર લખેલા નંબર પર મેં કોલ કરતા સામેથી બ્રિજેશભાઇ નામના વ્યક્તિએ મને કહ્યું હતું કે, તમારી કારનું દર મહિને 35 હજાર ભાડૂ આપીશ. તમારે કાર આપવા વડોદરા આજવા ચોકડી પાસે આવવું પડશે. ત્યારે હું તમને લખાણ કરી આપીશ. જેથી, હું 10 મી તારીખે વડોદરા આવ્યો હતો. ત્યાં બ્રિજેશસીંગને હું મળ્યો હતો. તેણે મને એડવાન્સ પેટે 10 હજાર આપી ગાડી લઇ લીધી હતી અને કહ્યું હતું કે, હું તમને લખાણ મોકલી આપીશ.
એક મહિનો થવાછતાંય તેણે લખાણ મોકલ્યું નહતું અને ભાડૂ પણ આપ્યું નહતું. મેં તેને કોલ કરી ગાડી પાછી આપી દેવા કહ્યું હતું.પરંતુ, તેણે ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. બે મહિના પછી મને દાહોદ જિલ્લાના લીમખેડાના વતની દિનેશ ભીમાભાઇ બારિયાનો કોલ આવ્યો હતો. તેમણે મને એવી વાત કરી કે, મેં બ્રિજેશ પાસેથી 7.20 લાખમાં તમારી કાર ખરીદી છે. પરંતુ, નામ ફેર થતું નથી. તમે એન.ઓ.સી. મોકલો. મારી સાથે છેતરપિંડી થતા મેં કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી હતી કે, બ્રિજેશસિંહના નામે વાત કરનાર વ્યક્તિનું સાચું નામ હિતેશ ગુલાબચંદ પ્રજાપતિ (રહે. માતૃકા રેસિડેન્સી, દરબાર ચોકડી પાસે, માંજલપુર) છે. કપુરાઇ પી.આઇ. ડી.સી.રાઓલે આરોપીને ઝડપી પાડયો છે.
આરોપી હિતેશે મકરપુરા વિસ્તારમાં રહેતા હસમુખભાઇ ઘેલાભાઇ પડાલીયા તથા હરણી વિસ્તારમાં રહેતા અલ્પેશકુમાર બહાદુરસીંગ રાઠોડની પાસેથી પણ કાર ભાડે ફેરવવાના બહાને લઇ છેતરપિંડી કરી હતી. જે પૈકી એક કાર સ્ક્રેપમાં આપી દીધી હતી. અગાઉ તેની સામે સમા અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા છે. ઇન્સ્ટાગ્રામ પર તે કાયમ થોકબંધ રૃપિયા અને પોતે કરોડપતિ હોવાનો વટ પાડતી રીલ અપલોડ કરતો હતો.