કાલાવડના પીઠડિયા ગામનો યુવાન ફ્રોડનો શિકાર રૂા.2.35 લાખ ગુમાવ્યા
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં રહેતા અને કડિયા કામ કરતા સુરેશભાઈ લાખાભાઈ વરણ નામના 34 વર્ષના યુવાને પોતાની સાથે મોબાઈલ ફોનમાં અમિત મિશ્રાના નામથી બેંક અધિકારીની ઓળખ આપી બેન્ક ખાતાની ડિટેલ મેળવી લીધા બાદ પોતાના ખાતામાંથી રૂૂપિયા 2,35,000ની રકમ ઉપાડી લઇ ઓનલાઈન છેતરપિંડી કર્યાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાનના મોબાઇલમાં ગત 16.7.2025ના સાંજના સમયે અમિત મિશ્રા નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો અને પોતે એસ.બી.આઈ.ની મુંબઈ બ્રાન્ચ માંથી બોલે છે, અને તમારો પાસવર્ડ બદલાયો છે. તેમ વાત કરી વોટ્સએપ માં એક ફાઈલ મોકલાવી હતી. જેમાં બેંકના ખાતા નંબર, આઈએફસી કોડ, પાસવર્ડ વગેરે નાખવા જણાવ્યું હતું.
જે ડિટેલ મેળવી લીધા બાદ મોબાઇલ કરનાર અજાણ્યા શખ્સ દ્વારા ફરિયાદી યુવાનના બેંકના ખાતામાંથી સૌપ્રથમ એક લાખ નેવું હજાર અને ત્યારબાદ 45,000ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી લઇ છેતરપિંડી કરી હતી. જે અંગે ફરિયાદીને ધ્યાનમાં આવતા તેણે આખરે પોલીસનો સંપર્ક સાધ્યો છે, અને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં અમિત મિશ્રા નામ ધારક અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છેમ જેના મોબાઈલ નંબરો પણ અપાયા છે. જેના આધારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂૂ કરાયો છે.