500ના દરની 51 લાખની જાલીનોટો સાથે ભાવનગરનો યુવાન મુંબઈમાં ઝડપાયો
મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસના સેન્ટ્રલ ક્રાઇમ યુનિટની ટીમે મીરા રોડના પ્લેઝન્ટ પાર્ક વિસ્તારમાંથી 19 વર્ષના મૂળ ભાવનગરના રહેવાસી આર્યન મનસુખભાઈ જાબુચા નામના યુવકની 500 રૂૂપિયાની નકલી ચલણી નોટ છાપીને આ નોટ અડધા ભાવે વેચવાના આરોપસર ધરપકડ કરી હતી. આરોપી યુવકની પૂછપરછમાં જણાઈ આવ્યું છે કે તેણે આ ચલણી નોટ ઝડપથી રૂૂપિયા કમાવવા માટે છાપી હતી.સેન્ટ્રલ ક્રાઇમ યુનિટના ઇન્ચાર્જ રાહુલ રાખે કહ્યું હતું કે ભાવનગરમાં ભાવનગર-રાજકોટ રોડ પર આવેલી સરિતા સોસાયટીમાં રહેતા આરોપી આર્યન જાબુચાના પિતાની સિક્યોરિટી એજન્સી છે.
આર્યન રાતોરાત રૂૂપિયા કમાવવા માગતો હતો એટલે તેણે થાણેમાં રહેતા એક વ્યક્તિની મદદથી 500 રૂૂપિયાની નકલી ચલણી નોટ છપાવી હતી. તેની પાસેથી 500 રૂૂપિયાની આવી 10,352 નોટ મળી આવી છે. આમાંથી અમુક નકલી નોટ વેચવા માટે તે મીરા રોડમાં કોઈકને મળ્યો હતો. આર્યને સેમ્પલ તરીકે નકલી ચલણી નોટ જેને આપી હતી તેણે પોલીસને જાણ કરતાં અમે કાર્યવાહી કરી હતી. થાણેમાં આરોપી આર્યને ક્યાં નકલી નોટ પ્રિન્ટ કરી હતી એની તપાસ કરવામાં આવી રહી છે.