સમર્પણ સર્કલ નજીક રાસ મહોત્સવમાં ગરબે રમતા બે યુવકો વચ્ચે બબાલ
જામનગર શહેરની ભાગોળે આવેલ સ્વામીનારાયણ મંદિર પાસે રાસ રસીયા પાર્ટી પ્લોટમાં ગરબા રમવા ગયેલા વિદ્યાર્થીનો પગ અજાણ્યા યુવાનને અડી જતાં ઉશ્કેરાયેલા બે શખ્સોએ વિદ્યાર્થીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચકચાર જાગી છે. પોલીસ સુત્રોએ જાહેર કરેલી વિગત મુજબ, જામનગર શહેરના મચ્છરનગર વિસ્તારમાં રહેતા અને ધો.10માં અભ્યાસ કરતા વિશ્ર્વરાજસિંહ સુખદેવસિંહ જાડેજા નામનો વિદ્યાર્થી ગઇકાલે સમર્પણ સર્કલ આગળ સ્વામીનારાયણ મંદિરના બીજા ગેટ સામે આવેલ રાસ રસીયા પાર્ટી પ્લોટમાં પોતાના મિત્રો યશપાલસિંહ ગૌતમસિંહ પરમાર, પ્રદીપસિંહ લખુભા જાડેજા અને મનદીપસિંહ કિરીટસિંહ જાડેજા સાથે ગરબા રમી રહ્યા હતા.
જ્યા યશપાલસિંહનો પગ બાજુમાં ગરબા રમી રહેલા અજાણ્યા યુવાનને અડી જતાં અજાણ્યા યુવાને યશપાલસિંહનો કાઠલો પકડી ગાળો આપવા લાગતાં વિશ્ર્વરાજસિંહ સહિતના મિત્રોએ વચ્ચે પડી છોડાવેલાં અને ત્યારબાદ રાત્રિના 12.30 વાગ્યાના અરસામાં ઘરે જવા નિકળેલ ત્યારે ગેઇટની બહાર ઉભેલા વિશ્ર્વરાજસિંહે વિદ્યાર્થી વિશ્ર્વરાજસિંહ જાડેજાને વાળ પકડીને જમીન પર ઢસળી ઢીંકાપાટુનો માર મારી તારે જે ચોકીએ જાવું હોય ત્યાં જજે…હવે પછી જો દેખાણો છો તો તને છરીના ગોદા મારી દઇશ. તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી વિશ્ર્વરાજસિંહે સીટી-સી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.