રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મવડી વિસ્તારમાં બાળક પાસે દારૂનું વેચાણ કરાવવાનું કારસ્તાન

04:44 PM Aug 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગરીબીનો લાભ લઈ પાનની કેબીન ખોલી દીધી, મહિનાના રૂા.3 હજાર આપી ઉકા નામના બૂટલેગર દ્વારા થતું શોષણ, જનતા રેડનો વીડિયો વાઈરલ થતાં ખળભળાટ

રાજકોટમાં દેશી દારૂ બંધ કરાવવા માટે પોલીસ ગમે તેટલા પ્રયાસો કરે છતાં બુટલેગરો જાણે પોલીસથી આગળ હોય તેમ પોલીસની કડક કાર્યવાહી છતાં નિર્ભય રીતે જાહેરમાં દારૂનું વેચાણ કરી રહ્યાં છે. રાજકોટમાં દેશી દારૂના અડ્ડાઓ બેફામ ધમધમી રહ્યાં છે ત્યારે રાજકોટના મવડી વિસ્તારમાં એક બુટલેગર દ્વારા પાનની કેબીન ખોલી દઈ બાળક પાસે દારૂનું વેચાણ કરાવવામાં આવતું હોવાનું જનત્તા રેડમાં બહાર આવ્યું છે. સોશ્યલ મીડિયામાં જાહેર થયેલા વિડિયોમાં મવડી વિસ્તારમાં એક કેબીનમાં દારૂ વેચતો બાળક રંગેહાથ પકડાઈ ગયો હતો જેની પુછપરછમાં બુટલેગર દ્વારા ત્રણ હજાર રૂપિયા મહિને આપી તેને દરરોજ પાંચથી દસ લીટર દારૂ વેચવાના ધંધામાં લગાડી દીધો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ વિડિયોને લઈને હવે પોલીસ શું કાર્યવાહી કરશે ? તે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

છેલ્લા ઘણા દિવસથી દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસ ધોંસ બોલાવી રહી છે અને વહેલી સવારે આવા અડ્ડાઓ ઉપર થોડા દિવસો પૂર્વે જ પોલીસે દરોડા પાડી 79 જગ્યાએથી દારૂનો નાશ કર્યો હતો જેના મીડિયામાં અહેવાલો પણ પોલીસે આપ્યા હતાં. પરંતુ પોલીસની આ કામગીરી છતાં વાસ્તવિકતા કંઈક અલગ જ હોવાનું દેખાઈ રહ્યું છે. શહેરમાં છાણેખુણે તો કેટલાક સ્થળે પોલીસની મંજુરીથી દેશી દારૂના હાટડાઓ બેરોકટોક ધમધમે છે. શહેરના કેટલાક પંકાયેલા વિસ્તારોમાં સાંજ પડે એટલે દેશી દારૂના બંધાણીઓ કોથળી લેવા પહોંચી જાય છે. દારૂના ધંધાર્થીઓને જાણે પોલીસનો ભય ન હોય કે પછી પોલીસ બધુ જાણતી હોય અને અજાણ બનતી હોય તેવું લાગી રહ્યું છે.

સોશ્યલ મીડિયામાં એક વિડિયો વાયરલ થતાં પોલીસની આ કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. શહેરના મવડી વિસ્તારમાં આવેલ લાભુભાઈ પારેખ ટાઉનશીપ પાસે રસ્તા પર ગેરકાયદેસર કેબીન મુકી દેશી દારૂનું વેચાણ થતું હોવાની માહિતીના આધારે આજે જનત્તા રેડ કરવામાં આવી હતી. આ જનતા રેડમાં બુટલેગર દ્વારા નાની વયના બાળકોને દારૂના વેપલામાં જોતરી દીધા હોવાનો ભાંડો ફુટયો હતો.

ભીમનગરમાં રહેતા ઉકા નામના બુટલેગરે આ સગીર વયના બાળક કે જેની ભણવાની ઉંમર છે તે બાળકને રૂપિયાની લાલચ આપી ત્રણ હજાર રૂપિયા મહિનાના આપી આ કેબીનમાં દેશી દારૂનું વેચાણ કરવા મજબુર કરી દીધો હતો.

સ્થાનિક રહીશો છેલ્લા ઘણા દિવસથી આ દુષણથી પરેશાન થઈ આજે જનત્તા રેડ કરી હતી અને આ બાળક પાસેથી દારૂની કોથળી ભરેલી પ્લાસ્ટીકની બેગ મળી આવી હતી. જેની પુછપરછમાં બાળકને દરરોજ પાંચ થી દસ લીટર દારૂના વેચાણ કરવાના મહિનો રૂા. 3 હજાર આ ઉકો ચુકવતો હોય અને કેબીન ગેરકાયદેસર રીતે રસ્તા ઉપર ખડકી દઈ ત્યાં દારૂનું વેચાણ કરાવતો હતો. આ મામલે વિડિયો વાયરલ થયા બાદ હવે પોલીસ હરકતમાં આવી કાર્યવાહી કરશે.

મવડી વિસ્તારના મિથુનનો દારૂ પીતો વીડિયો વાઈરલ થયા બાદ બીજી ઘટના

મવડી વિસ્તારમાં તાજેતરમાં જ પાનની દુકાને વિદેશી દારૂ પીતા મિથુન નામના એક શખ્સનો વિડિયો વાયરલ થયો હતો. ખોડીયાર પાન નામની દુકાને જાહેરામાં દારૂના ઘુટ ભરતાં આ શખ્સ સામે પોલીસે કાર્યવાહી કરી હતી. આ અંગેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ મવડી વિસ્તારની આ બીજી ઘટના છે. જેમાં દેશી દારૂનું જાહેરમાં વેચાણ થઈ રહ્યું છે અને આ દારૂ વેચવા માટે ધંધામાં એક સગીર વયના બાળકને મજબુર કરી દીધો હોય આ મામલે હવે પોલીસની કહેવાતી કામગીરીની સત્ય હકીકત બહાર આવી હોવાનું જનતા રેડ પાડનાર લોકો જણાવી રહ્યો છે.

Tags :
alcoholChildgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement