પોરબંદરના 19 યુવક-યુવતીને વિદેશમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરનાર દિલ્હીથી પકડાયો
પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. વિદેશમાં નોકરી અપાવવાના બહાને 19 યુવક-યુવતીઓ સાથે છેતરપિંડી કરી તેમને બેંગકોકમાં ફસાવનાર મુખ્ય આરોપી અમિતકુમાર અરોડાને પોલીસે દિલ્હીથી ઝડપી પાડ્યો છે.
પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. વિદેશમાં નોકરી અપાવવાના બહાને 19 યુવક-યુવતીઓ સાથે છેતરપિંડી કરી તેમને બેંગકોકમાં ફસાવનાર મુખ્ય આરોપી અમિતકુમાર અરોડાને પોલીસે દિલ્હીથી ઝડપી પાડ્યો છે. આ કેસમાં હજુ બે અન્ય આરોપીઓ ફરાર છે. જેમની શોધખોળ ચાલુ છે. આરોપીઓએ હોટલમાં નોકરી અપાવવાના નામે યુવક-યુવતીઓ પાસેથી મોટી રકમ પડાવી હતી અને તેમને બેંગકોક મોકલી દીધા હતા.
ત્યાં ગયા બાદ યુવક-યુવતીઓને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે અને તેઓ ફસાઈ ગયા છે. ત્યારબાદ તેમના પરિવારોએ આ મામલે પોરબંદર પોલીસનો સંપર્ક કર્યો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોરબંદર કઈઇએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે પોલીસે મુખ્ય આરોપી અમિતકુમાર અરોડાનું લોકેશન દિલ્હીમાં ટ્રેસ કર્યું હતું. ત્યારબાદ એક ટીમ દિલ્હી રવાના થઈ હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. આ સફળતા બાદ પોલીસે ફસાયેલા યુવક-યુવતીઓને પરત લાવવા માટે પણ પ્રયાસો હાથ ધર્યા છે. આ કૌભાંડમાં સામેલ અન્ય બે આરોપીઓને પણ વહેલી તકે ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ ફરી એકવાર વિદેશમાં નોકરીના નામે ચાલતા કૌભાંડો સામે ચેતવણી આપી છે અને લોકોને આવા એજન્ટોથી સાવધાન રહેવાની સલાહ આપી છે.