રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી નામચીન શખ્સે ટ્રાન્સપોર્ટર પાસેથી રૂપિયા 20 હજાર પડાવ્યા
તારા ઉપર કેસ થયો છે, તારા ટાંટિયા ભાંગી જશે, તું પૂરો થઇ જઇશ કહી ધમકી આપી
મિહીર કુંગશીયા સામે અગાઉ પણ પોલીસની ઓળખ આપી પૈસા પડાવવા અને છેડતીનો ગુનો નોંધાઇ ચુકયો છે
રાજકોટ શહેરનાં પોપટપરા વિસ્તારમા રહેતા મીહીર ભાનુભાઇ કુંગશીયા વિરુધ્ધ વધુ એક ફરીયાદ નોંધાઇ છે. આરોપીએ ગુંદાવાડી નજીક નાગરીક બેંક ચોક પાસે રીક્ષાને અટકાવી ટ્રાન્સપોર્ટરને ટાટીયા ભાંગી નાખવાની ધમકી આપી પોતે ક્રાઇમ બ્રાંચમા હોવાની ખોટી ઓળખ આપી ર0 હજાર રૂપીયા પડાવી લીધા હતા. આ ઘટના બાદ ડરી ગયેલા ટ્રાન્સપોર્ટર ભકિતનગર પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેમને પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને સકંજામા લેવા તજવીજ શરુ કરી છે.
વધુ વિગત મુજબ કોઠારીયા સોલવન્ટમા રહેતા અને ટ્રાન્સપોર્ટરનાં વ્યવસાય સાથે જોડાયેલા સમીરભાઇ ગુણુભાઇ મુલ્તાની (ઉ.વ. 4ર ) નામનાં યુવાને પોતાની ફરીયાદમા પોપટપરા વિસ્તારમા રહેતા મીહીર ભાનુભાઇ કુંગશીયા વિરુધ્ધ પોલીસની ખોટી ઓળખ આપી અને પૈસા પડાવવા અંગે ફરીયાદ નોંધાવી છે. આ બનાવ અંગે ભકિતનગર પોલીસ મથકનાં પીએસઆઇ જે. જે. ગોહીલે આરોપીને સકંજામા લેવા તજવીજ શરુ કરી છે. ફરીયાદીએ જણાવ્યુ હતુ કે પોતે ટ્રાન્સપોર્ટરનાં વ્યવસાય સાથે જોડાયેલા છે અને ગઇકાલે સાંજનાં સમયે તેઓ રીક્ષામા બેસીને નાગરીક બેંક ચોક પાસે પહોંચતા જ એક સફેદ કલરનુ એકસેસ આવીને રીક્ષા આડે રાખી તેનાં ચાલકે કહયુ કે પોતે એલસીબી ક્રાઇમમા ફરજ બજાવે છે તેવી ખોટી ઓળખ આપી અને બાદમા ફરીયાદી સમીરભાઇને રીક્ષામાથી નીચે ઉતારી અને આ સ્કુટરનાં ચાલક મીહીર કુંગશીયાએ ફરીયાદી સમીરભાઇને કહયુ કે તમારા વિરુધ્ધ કેસ થયો છે. તમારા ટાટીયા ભાંગી જશે અને તુ પુરો થઇ જઇશ તેમ કહી મોબાઇલ ફોન અને પાકીટ આપી દેવા ફરજ પાડી અને બાદમા તેનાં સ્કુટરમા અલગ અલગ જગ્યાએ ફેરવ્યા બાદ ઢેબર રોડ સ્વામી નારાયણ મંદિર નજીક પાણીનાં ટાકા પાસે ફરીયાદી સમીરભાઇને ઉતારી ફરીયાદીને તેનુ પાકીટ અને મોબાઇલ ફોન પરત આપી દીધા હતા.
ત્યારબાદ સમીરભાઇ પાસેથી કેસ પતાવવાનાં નામે રૂ. ર0 હજાર પડાવી લીધા હતા અને છેલ્લે જતા જતા આવતીકાલે ક્રાઇમ બ્રાંચમા સહી કરવા આવી જાજે તેમ કહી ત્યાથી ભાગી ગયો હતો. ત્યારબાદ સમીરભાઇએ છેતરાયાનો અહેસાસ થતા તેઓ ભકિતનગર પોલીસ મથકે પહોંચી ગયા હતા. અને હકીકત જણાવ્યા બાદ ફરીયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી મીહીર કુંગશીયા વિરુધ્ધ અગાઉ પોલીસની ઓળખ આપી પૈસા પડાવવા અને છેડતી સહીતનાં અડધો ડઝન જેટલા ગુના પોલીસ ચોપડે નોંધાઇ ચુકયા છે. આરોપીને પકડાયા બાદ પાસામા મોકલવા કાર્યવાહી કરાશે. તેવુ જાણવા મળી રહયુ છે.
