જૂનાગઢના કુખ્યાત શખ્સે ધોરાજી પંથકના મહિલા સરપંચનું જાહેરમાં કર્યુ ચારિત્ર્ય હનન
લોકશાહીના પાયા સમાન ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમ જેવા જાહેર મંચ પરથી મહિલા સરપંચના ચારિત્ર્ય પર અભદ્ર આળ મૂકવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આ મામલે ધોરાજી તાલુકાના એક ગામના મહિલા સરપંચે ભેસાણ પોલીસ સ્ટેશનમાં જુનાગઢના રાજુ સોલંકી અને પિયુષ બોરીચા નામના શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવા બદલ અને બદનક્ષી કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજસીટોકનો આરોપી રાજુ સોલંકી છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ હતો અને થોડો સમય પહેલા જ તે છૂટી બહાર આવ્યો છે.
ફરિયાદી મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, 24 સપ્ટેમ્બર, 2025 ના રોજ તેમને સમાજના આગેવાન વસંતભાઈ સોલંકીનો ફોન આવ્યો હતો, જેમણે માહિતી આપી કે 23 સપ્ટેમ્બર, 2025ના રોજ જુનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે ડો.આંબેડકરની પ્રતિમાના અનાવરણના કાર્યક્રમમાં રાત્રિની સભા દરમિયાન રાજુ બાવજીભાઈ સોલંકી (રહે. જુનાગઢ) એ તેમના વિરુદ્ધ અભદ્ર ભાષામાં અપશબ્દો બોલી તેમના ચારિત્ર્ય પર આળ મૂક્યું હતું. આ કાર્યક્રમનો ઉપયોગ ફરિયાદી મહિલાને જાહેર મંચ પરથી બદનામ કરવાના બદઈરાદાથી કરવામાં આવ્યો હતો. રાજુ સોલંકીએ માત્ર સરપંચના ચારિત્ર્ય પર જ નહીં, પણ તેમના પતિના મિત્રને પણ બદનામ કર્યા હતા. ફરિયાદીએ જ્યારે આ વીડિયો ફેસબુક પર જોયો, ત્યારે જાણવા મળ્યું કે પીયૂષ બોરીચા (રહે. સરગવાડા, જુનાગઢ) નામની આઇ.ડી. પરથી પણ આ સંબોધનને લાઇવ કરવામાં આવ્યું હતું અથવા પોસ્ટ કરવામાં આવ્યું હતું.
ફરિયાદી મહિલાએ આરોપ લગાવ્યો છે કે, આ બદનામીના ઈરાદાથી કરવામાં આવ્યું હતું. આમ, રાજુ સોલંકી અને પીયૂષ બોરીચાએ એકબીજાને મદદગારી કરીને ગુનો આચર્યો હતો. ફરિયાદી મહિલાએ તેમના પતિ અન્ય સમાજના આગેવાનો સાથે પોલીસ સ્ટેશનમાં આવીને આ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે જુનાગઢના ડીવાયએસપી રવિરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે પોલીસે આ બંને આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ 79, 296, 351, 352, 356 અને 54 હેઠળ ગુનો દાખલ કરેલ છે.