બે મહિના પહેલાં ગુમ થયેલી સગીરાને યુપીનો શખ્સ ભગાડી ગયો હતો, દુષ્કર્મની કલમનો ઉમેરો કરાયો
પોલીસે આરોપીને પકડી સગીરા પરિવારને સોંપી, પોકસો અને અપહરણ હેઠળ કાર્યવાહી થઇ હતી
શહેરના ગોંડલ રોડ વિસ્તારમાં રહેતાં એક પરપ્રાંતીય મજૂર પરિવારની છઠ્ઠા ધોરણમાં ભણતી 14 વર્ષની દિકરી બે મહિના પહેલા ગૂમ થઇ જતાં પરિવારજનોએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. દિકરીને કોણ ઉઠાવી ગયું તેની પરિવારજનોને પણ ખબર નહોતી. દરમિયાન આ બનાવની માલવીયાનગર પોલીસે તપાસ કરતાં બાળકીને મુળ યુપીનો શખ્સ ઉઠાવી ગયાની માહિતી મળતાં પોલીસની ટીમ ત્યાં સુધી પહોંચી હતી અને આરોપી 26 વર્ષના શખ્સને દબોચી લીધો હતો. તેની સાથે સગીરા પણ હોઇ તેને રાજકોટ લાવી વાલીને સોંપી હતી. સગીરા સાથે આ ઢગાએ દૂષ્કર્મ પણ આચર્યુ હોઇ પોક્સો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
માલવીયાનગર પોલીસે આ બનાવ અંગે અપહૃત બાળાના પિતાની ફરિયાદ પરથી ગત 28/4/25ના રોજ ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં મુળ ઉત્તરપ્રદેશ બલરામપુરના મુરીહવા ગામના અને હાલ રાજકોટ રહી ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતાં પીન્ટુ રાજુભાઈ રાણા (ઉ.વ.26)ને ઝડપી લીધો છે. તે 14 વર્ષની સગીરાનું અપહરણ કરી તેના વતન યુપી પહોંચી ગયો હતો. શરૂૂઆતમાં અજાણ્યા આરોપી વિરૂૂધ્ધ ગુનો નોંધાયો હોઇ પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટી કેમેરા ચેક કરવા ઉપરાંત હ્યુમન અને ટેકનીકલ સોર્સની મદદ લીધી હતી. એ દરમિયાન પાક્કી માહિતી મળી હતી કે ગોંડલ રોડ ગીતાનગર વિસ્તારમાં રહી ટ્રાન્સપોર્ટમાં કામ કરતો મુળ યુપીનો પીન્ટુ રાણા પણ સગીરા ગૂમ થઇ ત્યારથી ગૂમ છે.
આને આધારે લિંક મેળવી તપાસ આગળ ધપાવતાં સગીરાને પીન્ટુ જ ભગાડી ગયાનું અને હાલ તે યુપીમાં તેના વતનમાં હોવાની પાક્કી માહિતી મળી હતી. પોલીસની ટૂકડી યુપી પહોંચી હતી અને પીન્ટુને દબોચી લીધો હતો. સાથે સગીરા પણ હોઈ બંનેને રાજકોટ લાવવામાં આવ્યા હતાં. બાળાની પુછતાછમાં એવી વિગતો ખુલી હતી કે તેણીને પ્રેમજાળમાં ફસાવીને પીન્ટુ ભગાડી ગયો હતો.
તેણી સાથે વારંવાર દુષ્કર્મ પણ આચર્યુ હોઇ પોલીસે પોક્સો હેઠળ અલગથી કલમ ઉમેરી હતી. તબિબી પરિક્ષણ બાદ સગીરાને તેના વાલીને સોંપી આરોપીને કોર્ટમાં રજૂ કરવા તજવીજ કરી હતી. આ શખ્સ અપરિણીત છે.આ કામગીરી માલવીયાનગરના પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં ડી. સ્ટાફ પીએસઆઇ એમ. જે. ઘાધલ, કોન્સ. જયદિપસિંહ જાડેજા, મહિલા કોન્સ. જલ્પાબેન સોલંકીએ કરી હતી.