ટ્યુશનમાં સ્કૂલે ગયેલી ધો.10ની વિદ્યાર્થિનીને સગીર ભગાડી ગયો
સંત કબીર રોડ પર આવેલી શાળાએ ટયુશન કલાસમાં ગયેલી ધો. 10 માં અભ્યાસ કરનાર 15 વર્ષની સગીરા ઘરે પરત ન ફરતા પિતાએ શાળાએ જઈ તપાસ કરતા સગીરા ક્લાસ પુરા કરી ઘરે જવા નીકળી ગઇ હોવાનું જાણવા મળ્યુ હતું. પિતાએ જાતે તપાસ કર્યા બાદ તેના જ વિસ્તાર ગંજીવાડામાં રહેતો શખસ સગીરાને બાઇકમાં બેસાડી ભગાડી ગયાનું માલુમ પડયું હતું. આ અંગે થોરાળા પોલીસે તપાસ હાથ ધરી રાત્રીના જ બંનેની શોધી કાઢયા હતાં.
પુછતાછમાં સગીરાને ભગાડી જનાર પણ 17 વર્ષનો સગીર હોવાનું માલુમ પડયું હતું. ભાવનગર રોડ પાસેના વિસ્તારમાં રહેતા યુવકે થોરાળા પોલીસ સ્ટેશનમાં આરોપી તરીકે તેના વિસ્તારમાં રહેતા શખસનું નામ આપી જણાવ્યું હતું કે તે તેની દીકરીને ગત તા.19 ના રોજ બપોરે બે વાગ્યે સંત કબીર રોડ પર આવેલી શાળામાં ચાલતા ટ્યુશનમાં મૂકીને ઘરે પરત ફરી ગયો હતો. દરરોજની જેમ સાંજના ચાર વાગ્યે સગીરા ટ્યુશનમાથી છુટી જતી હોય છે.
પરંતુ તા.19 ના રોજ સગીરા ટ્યુશનમાંથી પરત ન ફરતા તપાસ કરતા તેમના જ વિસ્તારમાં રહેતો શખસ સગીરાને શાળા નજીક પોતાની બાઇકમાં બેસાડી સાથે લઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આથી ચિંતાતુર પિતાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ધો.10 ની વિદ્યાર્થિનીની અપહરણના બનાવને લઇ થોરાળા પોલીસ મથકના પીઆઇ એન.જી.વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ એમ.એસ. મહેશ્વરી તથા ટીમે તપાસ હાથ ધરી રાત્રીના જ અપહ્યુત સગીરા અને તેને ભગાડી જનારને પોલીસે શોધી કાઢયા હતાં. પોલીસે આ શખસની પુછતાછ કરતા તે પણ 17 વર્ષનો સગીર હોવાનું માલુમ પડયું હતું.
