અઢી વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરનાર પરિણીતાનો ગળેફાંસો ખાઇ આપઘાત
ન્યુ ખોડિયાર સોસાયટીનો બનાવ: કારણ અંગે પોલીસે તપાસ યથાવત રાખી
રાજકોટમાં કોઠારીયા રોડ પર ન્યુ ખોડિયાર નગરમાં અઢી વર્ષ પહેલા પ્રેમલગ્ન કરનાર 24 વર્ષીય નિરાલી મકવાણાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.સાંજે પતિ કામ પરથી ઘરે આવ્યો અને જોયું તો પત્નીને ગળાફાંસો ખાધેલી હાલતમાં હતી.ભક્તિનગર પોલીસે આપઘાત નું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
વિસ્તૃત વિગત મુજબ, કોઠારીયા રોડ ન્યુ ખોડીયાર સોસાયટી શેરી નંબર 2 નાલંદા વિદ્યાલય ની બાજુમાં રહેતા નિરાલીબેન નીરજભાઈ મકવાણા નામના 24 વર્ષના પરિણીતાએ ગઈકાલે સાંજે પોતાના ઘરે એકલી હતી ત્યારે પંખામાં ચુંદડી બાંધી આપઘાત કરી લીધો હતો.સાંજના 7 વાગ્યા આસપાસ પતિ કામેથી ઘરે પરત ફર્યો ત્યારે જ પત્નીને ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોઈ જતાં જ દેકારો મચી ગયો હતો.આ બનાવ અંગે જાણ થતાં સ્થાનિક પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જરૂૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો.
પરિવારની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, નિરાલીના પિતા રતિલાલ ત્રિભોવનદાસ પરમાર ન્યુ ખોડીયાર સોસાયટીમાં જ રહે છે. નિરાલી અને નીરજ એક જ વિસ્તારમાં રહેતા હોવાથી સંપર્કમાં આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમસબંધ બંધાતા અઢી વર્ષ પહેલા બંને પરિવારે રાજી ખુશીથી નિરાલી અને નીરજના લગ્ન કરાવી આપ્યા હતા.પતિ નીરજ ફર્નિચર કામ કરે છે.નિરાલીએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તેનું કારણ સામે ના આવતા ભક્તિનગર પોલીસના પીએસઆઇ પરમારે તપાસ યથાવત રાખી છે.