કૌટુંબિક દિયર-દેરાણીના ઝઘડામાં વચ્ચે પડેલી પરિણીતાને માર પડ્યો
શહેરમાં કુંબલીયાપરા વિસ્તારમાં કૌટુંબીક દિયર દેરાણીનાં ઝઘડામાં વચ્ચે પડેલી પરિણીતાને દિયરે માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કુંબલીયાપરા વિસ્તારમાં રહેતી નિમુબેન પંકજભાઈ બળોલીયા નામની 35 વર્ષની પરિણીતા સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે કાકાજીના દિકરા કમલેશ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેથી નિમુબેન દંપતિના ઝઘડામાં વચ્ચે પડી હતી. જેથી ઉશ્કેરાયેલા દિયર કમલેશે ધોકા વડે માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંતચાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ ઉપરાંત અન્ય બનાવમાં જુદા જુદા ત્રણ સ્થળે નજીવા પ્રશ્ર્ને મારામારી થઈ હતી. જેમાં 150 ફુટ રીંગ રોડ પર આંબેડકરનગરમાં લક્ષ્મીબેન ડાયાભાઈ દાફડા (ઉ.60)ને મંજુબેન અને સેજલબેન સહિતનાએ ઢીકાપાટુનો માર માર્યો હતો. ગાયકવાડી કીટીપરામાં રવિ રાજુભાઈ સોલંકી (ઉ.20) કેશરી પુલ નીચે હતો ત્યારે અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. જ્યારે ત્રીજા બનાવમાં કેશરી પુલ પાસે મુસ્લીમ લાઈનમાં રહેતો સાજીદ કરીમભાઈ ગૌરી (ઉ.45)ને કિશન વાઘેલા અને ગોપાલ વાઘેલાએ ધોકા વડે માર માર્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.