હોટેલમાં મહિલા મિત્ર સાથે ગયેલા યુવાનને ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી ‘તોડ’કરનાર ઝડપાયો
રાજકોટમાં થર્ટી ફર્સ્ટની રાતે અવધ રોડ પર યુગલને આંતરી પોતાની પોલીસ તરીકે ઓળખ આપી ધમકાવી,અપહરણ કરી, મારકૂટ કરી,1700ની લુંટ ચલાવી,ખંડણીની માંગણી કરનાર ગેંગને ગાંધીગ્રામ-ર પોલીસે ઝડપી લીધી છે ત્યાં વધુ એક નકલી પોલીસે રૃા.31 હજારનો તોડ કર્યાનો બનાવ જાહેર થયો છે.
જેના આધારે એ-ડિવિઝન પોલીસે તપાસ કરી આરોપી મિહીર ભાનુભાઈ કુગશીયા (ઉ.વ.ર0, રહે. પોપટપરા, રામજી મંદિર પાસે)ને ઝડપી લીધો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, કોઠારીયા નાકા પાસે શિવ પ્રતિમા એપાર્ટમેન્ટમાં રહેતો બંગાળી કારીગર મુરારીમોહન શત્રુધ્નદાસ (ઉ.વ.44) ગઈ તા.30ના રોજ સાંજે એસ.ટી. બસ સ્ટેન્ડ પાછળ આવેલ હોટલ મુનમાં મહિલા મિત્ર સાથે ગયો હતો. હોટલમાંથી બહાર નીકળતા જ આરોપીએ તેને અને તેની મહિલા મિત્રને અટકાવી પોતાની ક્રાઈમ બ્રાંચના માણસ તરીકે ઓળખ આપી કહ્યું કે તમે હોટલમાં કયા કામથી આવ્યા છો તે મને ખબર છે, તમે ગેરપ્રવૃતિ કરવા આવ્યા છો, તમારે પોલીસ સ્ટેશને આવવું પડશે, તમારા વિરૃધ્ધ ગુનો દાખલ થશે તેમ કહી ડરાવી-ધમકાવ્યો હતો.
જેને કારણે મુરારીમોહન ભયમાં મુકાઈ ગયો હતો અને તેણે સાહેબ અહીં જ પતાવોને તેમ કહેતાં તેની પાસેથી આરોપીએ 1ર હજાર રોકડા પડાવ્યા હતા. જયારે 19 હજાર એટીએમમાંથી કઢાવી લઈ લીધા હતા.
આ રીતે આરોપીએ કુલ 31 હજારનો તોડ કર્યો હતો.જે ઘટના જાહેર થયા બાદ એ-ડિવિઝનના પીઆઈ બારોટ અને એએસઆઈ મહેશ લુવાએ તપાસમાં ઝુકાવ્યું હતું. આરોપી હોટલમાં પણ ગયો હોવાથી તેના સીસીટીવી ફુટેજ મેળવી તેના આધારે તેની ઓળખ મેળવી તેને ઝડપી લીધો હતો. રાત્રે પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.
શહેરમાં પોલીસના નામે તોડની ઘટનાઓને ધ્યાનમાં લઈ ડીસીપી જગદિશ બાંગરવાએ લોકોને આ રીતે જો કોઈ શખ્સ પોલીસ તરીકેની ઓળખ આપી પૈસા માગે તો તેનું આઈકાર્ડ માગવા અને જરૃર પડે તો તત્કાળ પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે. આ ઉપરાંત જો અસલી પોલીસ પૈસા માગે તો તત્કાળ પોતાનો કે એસીબીનો સંપર્ક કરવા પણ અનુરોધ કર્યો છે.ઝડપાયેલા આરોપી મિહીરે આ અગાઉ પોલીસના નામે તોડ કર્યા છે?તે દિશામાં પણ પોલીસે હવે તપાસ હાથ ધરી છે.